30 April, 2025 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ બન્ને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારે ગઈ કાલે મંત્રાલયમાં સાર્વજનિક બાંધકામ વિભાગની મહારાષ્ટ્ર અમૃતકાલ રોડ ડેવલપમેન્ટ સ્કીમ પુસ્તિકાનું અનાવરણ કરવાની સાથે મહેસૂલ વિભાગનો રેવન્યુ રિપોર્ટ રજૂ કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસરન વૅલીમાં આતંકવાદીઓએ કરેલા ફાયરિંગમાં મહારાષ્ટ્રના છ ટૂરિસ્ટોએ જીવ ગુમાવ્યા છે. ફૅમિલી સાથે કાશ્મીર ફરવા ગયેલા છ હિન્દુ પુરુષને ગોળીઓથી વીંધી નાખવામાં આવતાં આ પરિવાર નોધારા બની ગયા છે. તેમના માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા અગાઉ પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી હતી. જોકે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનો અને રાજ્યના પ્રધાનોએ પીડિત પરિવારોની મુલાકાત લીધી ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે જીવ ગુમાવનારાઓ સામાન્ય પરિવારના છે અને તેમના અચાનક અવસાન થવાથી આ પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં ગઈ કાલે મુંબઈમાં કૅબિનેટની બેઠક મળી હતી એમાં પહલગામમાં જીવ ગુમાવનારા મહારાષ્ટ્રના છ રહેવાસીઓ અને તેમના પરિવારની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ આ પીડિત પરિવારોને વળતર અને સરકારી નોકરી વિશે મુખ્ય પ્રધાને નિર્ણય લેતાં કહ્યું હતું કે ‘પહલગામના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા ટૂરિસ્ટના પરિવારને ૫૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત આ પરિવારમાં બાળકોના શિક્ષણનો પ્રશ્ન હશે એનો ઉકેલ લાવવામાં આવશે અને પરિવારની મુખ્ય કમાનારી વ્યક્તિ ગુમાવ્યા બાદ રોજગારનો પ્રશ્ન હોય તેમને સરકારી નોકરી આપવામાં આવશે.’
પહલગામના આતંકવાદી હુમલામાં ડોમ્બિવલીના અતુલ મોને, સંજય લેલે અને હેમંત જોશી; પુણેના સંતોષ જગદાળે અને કૌસ્તુભ ગણબોટે અને પનવેલના દિલીપ દેસલેએ જીવ ગુમાવ્યા છે.