07 June, 2026 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્ય સરકારના દેવસ્થાનોની જમીન બાબતના વિવાદસ્પદ ઠરેલા પ્રસ્તાવિત ‘મહારાષ્ટ્ર દેવસ્થાન ઇનામ નિર્મૂલન કાયદા’ સંદર્ભે રાજ્ય સરકારે હવે મહત્ત્વનો નિર્ણય લીધો છે અને એ કાયદાની અમલબજાવણી હાલ સ્થગિત કરી દીધી છે એવી જાહેરાત રાજ્યના મહેસૂલપ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ કરી હતી. મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને અષ્ટવિનાયક મંદિરો સહિત અન્ય મંદિર ટ્રસ્ટના ભારે વિરોધ બાદ આખરે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર હવે મહેસૂલ વિભાગના સચિવની અધ્યક્ષતા હેઠળ ઉચ્ચ સ્તરની સમિતિ બનાવીને ત્યાર બાદ એના પર નિર્ણય લેશે. એ સમિતિમાં બે કમિશનર, બે જિલ્લાઅધિકારી અને મંદિર સંસ્થાના ૧૫ પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે. આ સમિતિ કાયદાનો મુસદ્દો ઘડી કાઢશે. ૧૫ ઑગસ્ટ સુધી એના પર વાંધાવચકા મગાવવામાં આવશે અને ૧૫ સપ્ટેમ્બરે એ ફાઇનલ કરીને વિન્ટર સેશનમાં એને રજૂ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને અષ્ટવિનાયક મંદિરો સહિત અન્ય મંદિર ટ્રસ્ટના ભારે વિરોધ બાદ આખરે રાજ્ય સરકારના આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર મંદિર મહાસંઘના અધ્યક્ષ સુનીલ ઘનવટેએ કહ્યું હતું કે સરકારના આ મંદિર હિતકારી નિર્ણયનું સ્વાગત કરી છીએ.
પ્રસ્તાવિત કાયદો શું હતો?
જૂના જમાનામાં મંદિરોની જમીન અને સ્થાવર મિલકત રાજા દ્વારા જેને અલૉટ કરવામાં આવી હતી તે અને તેના વંશજ, એના પૂજારી, વહીવટકર્તા, ભાડૂત, તાબેદાર માલિક બની શકે એવી જોગવાઈ નવા કાયદામાં કરાઈ હતી. એને કારણે મંદિરોની અને ટ્રસ્ટોના માલિકીહક પર તરાપ પડતી હતી એટલે એનો વિરોધ થયો હતો. ટ્રસ્ટોનું કહેવું હતું કે મંદિરની મૂળ જમીન એના દેવતાની જ ગણાય. વહીવટદાર પૂજારી કે ગામના લોકો, સેવકો એ બધા એના ભાડૂત કે વહીવટકર્તા જ ગણાય.