નવા શૈક્ષણિક વર્ષથી સરકારી સ્કૂલોમાં પહેલાથી પાંચમા ધોરણમાં પણ હિન્દી ફરજિયાત

19 April, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરાઠી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં SCF-૨૦૨૪ના નિયમ મુજબ પહેલાથી ચોથા ધોરણમાં બે જ ભાષા ભણાવાય છે

પ્રતીકાત્મક તસવીર

રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં નવા સત્રથી કુલ ત્રણ ભાષા ભણાવવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. અભ્યાસક્રમનું માળખું ઘડતા સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (SCF) હેઠળ ઘડાયેલી આ નવી નીતિ મુજબ જૂન મહિનાથી પહેલાથી પાંચમા ધોરણમાં હિન્દી ત્રીજી ભાષા તરીકે ફરજિયાત ભણાવવામાં આવશે. અન્ય બે ભાષા મરાઠી અને અંગ્રેજી રહેશે. હાલમાં છઠ્ઠાથી દસમા ધોરણમાં ત્રણ ભાષા ભણાવવામાં આવે છે જે યથાવત્ રહેશે એમ શિક્ષણ વિભાગે જાહેર કર્યું હતું.

મરાઠી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં SCF-૨૦૨૪ના નિયમ મુજબ પહેલાથી ચોથા ધોરણમાં બે જ ભાષા ભણાવાય છે જેમાં હવે પહેલાથી પાંચમા ધોરણ માટે હિન્દી વિષયનો ઉમેરો થયો છે. અન્ય માધ્યમની સ્કૂલોમાં જે-તે ભાષાનું માધ્યમ હોય એ ભાષા, મરાઠી તેમ જ અંગ્રેજી ભાષા એમ ત્રણ ભાષા ભણાવવાની રહેશે.

આ ઉપરાંત નવા સત્રથી શાળાકીય શિક્ષણનું માળખું પણ બદલાશે. હવે ૧૦+૨+૩ની પૅટર્નને બદલે ૫+૩+૩+૪ વર્ષની પૅટર્ન અમલમાં મુકાશે. અત્યાર સુધી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તરીકે ઓળખાતા શૈક્ષણિક તબક્કામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્રણથી ૮ વર્ષના વિદ્યાર્થીઓ એટલે કે બાળમંદિરનાં ત્રણ વર્ષ અને પહેલા તથા બીજા ધોરણ સુધી ફાઉન્ડેશનલ લેવલ ગણવામાં આવશે. ત્યાર બાદ ત્રીજાથી પાંચમા ધોરણને પ્રિપેરેટરી લેવલ ગણવામાં આવશે. છઠ્ઠાથી આઠમા ધોરણને મિડલ લેવલ અને નવમાંથી બારમા ધોરણને સેકન્ડરી લેવલ ગણવામાં આવશે. 

mumbai news mumbai maharashtra news maharashtra Education