✕

એક વર્ષમાં પાંચ વાર ટ્રાફિકના નિયમ તોડશો તો લાઇસન્સ સસ્પેન્ડ થશે

28 November, 2026 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈ-ચલાન બાકી હશે તો તમારું વાહન બ્લૅકલિસ્ટ થશે, કાર્યવાહી પહેલાં વાહનચાલકને રજૂઆતની તક અપાશે.

દર વર્ષે પહેલી જાન્યુઆરીએ આ ગણતરી નવેસરથી શરૂ થશે એટલે કે ૨૦૨૬માં નોંધાયેલા ગુનાઓ ૨૦૨૭માં ગણતરીમાં લેવામાં નહીં આવે તેમ જ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરતાં પહેલાં RTOએ ડ્રાઇવરને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી પડશે

વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા અને ઈ-ચલાનનો દંડ ન ભરનારા લોકોનું ડ્રાઇવિંગ-લાઇસન્સ ટૂંક સમયમાં સસ્પેન્ડ થઈ શકે છે. મહારાષ્ટ્ર સરકારે વારંવાર નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ નાર્વેકરે આ મહિને બહાર પાડેલા પરિપત્ર મુજબ તમામ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ને એક કૅલેન્ડર વર્ષમાં પાંચ કે એથી વધુ વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે ડ્રાઇવિંગ-લાઇસન્સ સસ્પેન્ડ કરવા સહિતનાં પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

પહેલી જાન્યુઆરીથી અમલમાં આવેલા સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ, ૨૦૨૬ હેઠળ આ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. RTO દ્વારા વારંવાર નિયમભંગ કરનારાઓની વાર્ષિક યાદી તૈયાર કરવામાં આવશે. મોટર વ્હીકલ્સ ઍક્ટની કલમ ૧૯ હેઠળ કાર્યવાહી કરતાં પહેલાં તેમને નોટિસ મોકલવામાં આવશે અને સુનાવણી હાથ ધરવામાં આવશે.

જે ડ્રાઇવરોનાં ઈ-ચલાન બાકી હશે તેમણે વધુ કડક પરિણામો ભોગવવાં પડશે. ટ્રાન્સપોર્ટ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી બાકી દંડ ભરવામાં ન આવે ત્યાં સુધી તેમનાં વાહનો બ્લૅકલિસ્ટ કરી શકાય છે. એને કારણે રજિસ્ટ્રેશન રિન્યુઅલ, માલિકી હક ટ્રાન્સફર, સરનામામાં ફેરફાર, ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ફિટનેસ સર્ટિફિકેટ જેવી સેવાઓ અટકાવી દેવામાં આવશે. આ ઉપરાંત પેન્ડિંગ ચલાન ધરાવતાં વાહનોને પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC) સર્ટિફિકેટ મેળવતાં પણ રોકી શકાય છે.

mumbai regional transport office maharashtra government maharashtra news news mumbai news