પુણેમાં ચાર્જિંગ માટે પાર્ક કરેલી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ લઈને યુવાને મારી મૂકી

27 April, 2026 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નો એન્ટ્રીમાં બસ ઘૂસી જતાં પોલીસે પકડી પાડ્યો, ભડકેલા લોકોએ ટપલીદાવ કર્યો

આ ઘટના શનિવારે સાંજે ૫.૩૦ વાગ્યે ડેક્કન બસ-સ્ટૅન્ડ નજીક બની હતી

પુણેમાં એક યુવાને પબ્લિક ટ્રાન્સપોર્ટની બસમાં લટકતી ચાવી અને ડ્રાઇવરની ગેરહાજરી જોઈને ચાર્જિંગ માટે પાર્ક કરેલી ઇલેક્ટ્રિક બસ લઈને મારી મૂકવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. તેણે બસ ભરરસ્તે દોડાવ્યા બાદ નો એન્ટ્રીમાં બસ લઈ ગયો હતો જેને લીધે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને થોડીઘણી નાસભાગ પણ થઈ હતી. નસીબજોગે એ ગલીના બીજા છેડે કોઈ આંદોલન ચાલી રહ્યું હોવાથી ત્યાં બહાર નીકળી શકાય એમ જ નહોતું એટલી બધી લોકોની ભીડ હતી. એથી તેણે બસ રોકવી પડી હતી. આંદોલનને લઈને પોલીસ-બંદોબસ્ત પણ હતો એટલે પોલીસે પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ કોઈ અન્ય યુવાન દ્વારા ચલાવાતી જોઈને તે યુવાનને નીચે ઉતાર્યો હતો. કેટલાક ભડકેલા લોકોએ તેને ટપલાં પણ માર્યાં હતાં.  

પોલીસ-અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે ‘આ ઘટના શનિવારે સાંજે ૫.૩૦ વાગ્યે ડેક્કન બસ-સ્ટૅન્ડ નજીક બની હતી. પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો બસ-ડ્રાઇવર ડેંગલ બ્રિજ પરથી બસ લઈને ભાગી ગયો હતો અને ગુડલક ચોક પહોંચતાં પહેલાં એને રસ્તાની ખોટી બાજુએ ચલાવતો જોવા મળ્યો હતો. જોકે બસમાં કોઈ મુસાફરો નહોતા. આ ઘટનાથી રાહદારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કેટલાક લોકોએ બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય લોકોએ આરોપીને ડ્રાઇવરને સીટ પરથી બહાર કાઢ્યો હતો. તે દારૂના નશામાં હતો કે નહીં એની અમે તપાસ કરી રહ્યા છીએ.’

pune news pune maharashtra news maharashtra mumbai mumbai news