04 April, 2026 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર રાજ્યમાં લગ્નની છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ અનેક પુરુષો સાથે લગ્ન કર્યાં હતાં અને થોડા દિવસોમાં રોકડ અને દાગીના લઈને ભાગી ગઈ હતી. યવતમાળ જિલ્લાની ભાનુપ્રિયા બન્સોડ તરીકે ઓળખાતી આરોપી મહિલાએ અલગ-અલગ જગ્યાએ લગ્ન કરીને વર અને તેના પરિવારને છેતર્યા હોવાનું કહેવાય છે.
મળતી વિગતો અનુસાર ભાનુપ્રિયા બન્સોડે ઓછામાં ઓછા પાંચથી છ પુરુષો સાથે લગ્ન કર્યાં હતાં. દરેક કેસમાં તે વિશ્વાસ મેળવવા માટે થોડા દિવસ સુધી તેના પતિના ઘરે રહેતી હતી. થોડા સમય પછી તક મળતાં જ વહેલી સવારે ઘરમાંથી દાગીના, કૅશ અને કીમતી વસ્તુઓ લઈને તે ભાગી જતી હતી.
તેનો ભોગ બનેલા લોકોનો દાવો છે કે તેમની પાસે ભાનુપ્રિયાને શોધવાનો કોઈ રસ્તો નહોતો, કારણ કે તે જે ઍડ્રેસ આપતી હતી એ કાં તો નકલી રહેતું અથવા જો તપાસ કરવામાં આવતી તો તેણે ઘર બદલીનાખ્યું હોવાનું જણાવવામાં આવતું હતું. પોલીસે જણાવ્યું હતું કે ભાનુપ્રિયા લગ્ન કરવા માટે ઉત્સુક પુરુષોને પ્રોત્સાહિત કરતી, ઉશ્કેરતી અને લગ્ન કર્યા પછી છેતરીને નાસી જતી.
પોલીસનાં સૂત્રોને શંકા છે કે આવી ઘટનાઓ એકલદોકલ નથી. યવતમાળ, બીડ, લાતુર અને જાલના જેવા જિલ્લાઓમાંથી પણ આવી જ છેતરપિંડીના અહેવાલો મળ્યા છે, જે ઑર્ગેનાઇઝ્ડ ગૅન્ગની સંડોવણી હોવાની શક્યતા દર્શાવે છે.