વિધાનપરિષદની ચૂંટણી બિનવિરોધ થશે

01 May, 2026 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યસભા માટે કૉન્ગ્રેસના ઉમેદવારની પસંદગી થશે એવી શરતે કૉન્ગ્રેસે શિવસેના (UBT)ના અંબાદાસ દાનવેને ટેકો આપ્યો હોવાની ચર્ચા

ગઈ કાલે વિધાનપરિષદની ચૂંટણીના BJPના ઉમેદવારો સાથે દેવેન્દ્ર ફડણવીસ

વિધાનપરિષદના ૯ સભ્યો નિવૃત્ત થાય છે ત્યારે તેમની ૯ બેઠક અને અને એક સભ્યની પેટાચૂંટણી મળીને કુલ ૧૦ બેઠકોની​ ચૂંટણી હવે બિનવિરોધ થવાની શક્યતા છે. ગઈ કાલે નૉમિનેશન ભરવાનો છેલ્લો દિવસ હતો અને ૧૦ બેઠકો માટે ૧૦ જ ઉમેદવારે ફૉર્મ ભર્યાં હોવાથી ચૂંટણી બિનવિરોધ થશે. શિવસેના (UBT)એ ઉમેદવાર તરીકે અંબાદાસ દાનવેનું નામ જાહેર કરતાં મહા વિકાસ આઘાડીના સાથીપક્ષ કૉન્ગ્રેસે શરૂઆતમાં તેમનો પણ ઉમેદવાર ઊભો રાખવાની તૈયારી દર્શાવી હતી. જોકે હવે કૉન્ગ્રેસે એનો ઉમેદવાર ઊભો રાખવાનું માંડી વાળતાં વિધાનપરિષદની ચૂંટણી બિનવિરોધ થાય એવી પૂરેપૂરી શક્યતા છે. શિવસેના (UBT)ના અંબાદાસ દાનવેને સપોર્ટ કરતાં પહેલાં કૉન્ગ્રેસે શિવસેના (UBT) સાથે એ માટે સમજૂતી કરી હોવાનું સૂત્રોએ કહ્યું છે.

હવે પછી જ્યારે ફરી રાજ્યસભા અને વિધાનપરિષદના સભ્યોની ચૂંટણી થાય ત્યારે રાજ્યસભાની સીટ માટે કૉન્ગ્રેસ એનો ઉમેદવાર આપશે અને શિવસેના (UBT) વિધાનપરિષદમાં જ ફરી સભ્ય મોકલીને સંતોષ માનશે એવું કહેવાય છે. જોકે એનાથી રાજ્યસભામાં શિવસેના (UBT)ના સભ્ય સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે એવું રાજકીય પંડિતોનું કહેવું છે.  

વિધાનપરિષદ માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૬, શિવસેનાના બે, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નો એક અને મહા વિકાસ આઘાડીના એક સભ્યએ ઉમેદવારી નોંધાવી છે.

ત્રણ અપક્ષોએ પણ ફૉર્મ ભર્યાં હતાં, પણ તેમને સૂચક તરીકે ૧૦ વિધાનસભ્યોની સહી ન મળી હોવાથી તેમનાં ફૉર્મ રદબાદતલ ગણાયાં એથી હવે ૧૦ બેઠક માટે ૧૦ જ ઉમેદવાર હોવાથી ચૂંટણી બિનવિરોધ યોજાશે. 

કયા પક્ષ તરફથી કોણ ઉમેદવાર? 

BJP

૧ સુનીલ કર્જતકર
૨ માધવી નાઈક
૩ સંજય ભેંડે
૪ વિવેક કોલ્હે
૫ પ્રમોદ જઠાર
૬ પ્રજ્ઞા સાતવ

શિવસેના 

૧ નીલમ ગોર્હે
૨ બચ્ચુ કડુ

NCP 

૧ ઝીશાન સિદ્દીકી

શિવસેના (UBT)

૧ અંબાદાસ દાનવે

shiv sena uddhav thackeray maharashtra maharashtra news mumbai mumbai news devendra fadnavis