કૉન્સ્ટેબલ બન ગયા કો-ઑર્ડિનેટર

15 September, 2025 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશોત્સવમાં આ પ્રયોગ સફળ રહ્યો એને પગલે હવે તમામ તહેવારોના બંદોબસ્તમાં પોલીસ ભજવશે આ નવી ભૂમિકા

પોલીસ-કૉન્સ્ટેબલ

તહેવારોની સીઝનમાં પોલીસ-કૉન્સ્ટેબલને કો-ઑર્ડિનેટરની ડ્યુટી આપવાનો મહારાષ્ટ્ર પોલીસે નિર્ણય લીધો છે. પ્રાયોગિક ધોરણે ગણેશોત્સવ દરમ્યાન પોલીસે આ યોજનાનો અમલ કર્યો હતો. એ પ્રયોગ સફળ રહેતાં હવે નવરાત્રિ, આંબેડકર જયંતી, શિવ જયંતી અને ઈદ જેવા તહેવારોમાં પણ કૉન્સ્ટેબલને કો-ઑર્ડિનેટરની ડ્યુટી આપીને વ્યવસ્થા સારી રીતે જળવાય એવા પ્રયાસો કરવામાં આવશે.

ગણેશોત્સવમાં પોલીસ-કૉન્સ્ટેબલ્સ શરૂઆતથી જ ગણેશ મંડળો સાથે કો-ઑર્ડિનેશન કરી રહ્યા હતા જેને કારણે કોઈ પણ અનિચ્છનીય બનાવ ટાળી શકાયા હતા. મહારાષ્ટ્ર પોલીસનાં ડિરેક્ટર જનરલ રશ્મિ શુક્લા અને ઍડિશનલ ડિરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) નિખિલ ગુપ્તાએ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને પોલીસ-કમિશનર સહિત દરેક જિલ્લાના યુનિટ કમાન્ડરને આદેશ આપ્યો હતો કે ગણેશોત્સવ શરૂ થાય એ પહેલાં દરેક ગણેશ મંડળ માટે એક કૉન્સ્ટેબલ નીમવામાં આવે.

આ આદેશને પગલે ૧૨,૦૦૦થી વધુ કૉન્સ્ટેબલોએ કો-ઑર્ડિનેટર તરીકે ફરજ બજાવી હતી. રોજ મંડળની મુલાકાત લઈને જરૂરી પરવાનગીઓ મેળવવાના અને સંચાલકો સાથે બેઠક કરવા જેવા દરેક કામમાં કૉન્સ્ટેબલોએ ગણેશ મંડળોને મદદ કરી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં કોમી એખલાસ જાળવવી અને કોઈ પણ પ્રકારના વિવાદ કે ઝઘડા ઉકેલવાનાં કામ પણ કો-ઑર્ડિનેટરે જવાબદારીથી નિભાવ્યાં હતાં. વિસર્જન સમયે પણ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી કો-ઑર્ડિનેટરની હતી.

ગણેશોત્સવમાં સુવ્યવસ્થા રહેતાં આવનારા બધા જ તહેવારોમાં મહારાષ્ટ્ર પોલીસે કો-ઑર્ડિનેટર નમવાનો આદેશ આપ્યો છે.

mumbai news mumbai mumbai police maharashtra news maharashtra ganesh chaturthi festivals