આ તો કંઈ નથી, આગળ જોજો તમે શું-શું થાય છે

26 June, 2022 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બળવાખોર જૂથના વિધાનસભ્યોની ઑફિસ અને ઘર પર શરૂ થયેલી તોડફોડ પછી સંજય રાઉતે એક ન્યુઝ-ચૅનલને કહ્યું : રાજકીય ગરમાટાને લઈને મુંબઈ પોલીસ અલર્ટ મોડ પર : કોઈ પણ રાજકીય પક્ષ તોડફોડ ન કરે એ માટે ભારે બંદોબસ્ત

ફાઇલ તસવીર

શિવસેનામાં પડેલી ઊભી ફૂટથી આખા રાજ્યમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે ત્યારે કોઈ પણ પક્ષ દ્વારા તોડફોડ ન થાય અને જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડે અને જૉઇન્ટ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) વિશ્વાસ નાંગરે પાટીલે બેઠક કરીને બધાં પોલીસ સ્ટેશનોને અલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે.

આની સાથે જ વિવાદાસ્પદ બૅનરો અને પોસ્ટરો લગાડવા પર પ્રતિબંધ મુકાયો છે. જો કોઈ કાયદાનો ભંગ કરતું જણાય તો તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્પેશ્યલ બ્રાન્ચને સોશ્યલ મીડિયા પર પણ નજર રાખવા જણાવાયું છે. વળી મુંબઈમાં  હાલ ૧૪૪મી જમાવબંધીની કલમ પણ લાગુ જ છે એટલે પાંચ કરતાં વધુ માણસોને જાહેરમાં ભેગા થવાની મનાઈ છે.

બીજી તરફ શિવસેનાના જે પણ વિધાનસભ્યો હાલ એકનાથ શિંદેના જૂથમાં જોડાયા છે તેમના ઘર, ઑફિસ અને પરિવારના સભ્યોને આપવામાં આવતી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. અનેક જગ્યાએ મોટી સંખ્યામાં શિવસૈનિકો રસ્તા પર ઊતરી આવ્યા છે અને બળવાખોર જૂથના વિધાનસભ્યોની ઑફિસ અને ઘર પર તોડફોડ શરૂ કરી દીધી છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક ન્યુઝ-ચૅનલને મુલાકાત આપતાં કહ્યું હતું કે ‘શિવસેનાના વિધાનસભ્યોએ કરેલી બગાવતને કારણે લોકોમાં ભારે રોષ છે અને એ લોકો હવે રસ્તા પર ઊતર્યા છે. તેઓ હાલ જે કરી રહ્યા છે એના પર અમારો કોઈ કન્ટ્રોલ નથી. આ તેમનો વિરોધ છે. આ તો કંઈ નથી, આગળ જોજો તમે શું-શું થાય છે.’  

mumbai mumbai news maharashtra sanjay raut