એકનાથ શિંદે હજીયે માની જવાની શિવસેનાને આશા

26 June, 2022 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેનાભવનમાં શિવસેનાની એક્ઝિક્યુટિવ બેઠકમાં તેમની સામે કાર્યવાહી કરવાનો કોઈ નિર્ણય ન લીધો

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે શિવસેના ભવનમાં શિવસેનાની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા (તસવીર : આશિષ રાજે)

એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યોના બળવાથી પાંચ દિવસથી રાજ્યનું રાજકારણ ગરમાઈ ગયું છે. શિવસેનાના બે ભાગ થવાની શક્યતા છે ત્યારે ગઈ કાલે શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સેનાભવનમાં પક્ષની એક્ઝિક્યુટિવ બેઠક બોલાવી હતી, જેમાં કેટલાક ઠરાવ પાસ કરવામાં આવ્યા હતા. જોકે એકનાથ શિંદે સામે કોઈ પણ કાર્યવાહી કરવાનો નિર્ણય આ બેઠકમાં નહોતો લેવાયો એટલે તેઓ હજી પણ માની જવાની આશા ઉદ્ધવ ઠાકરે રાખી રહ્યા છે. એકનાથ શિંદેને નેતાપદેથી પણ હટાવવામાં નહોતા આવ્યા.

ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે સેનાભવનમાં એકનાથ શિંદે સહિતના વિધાનસભ્યોના બળવાને પગલે એક્ઝિક્યુટિવ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એકનાથ શિંદેની પક્ષમાંથી હકાલપટ્ટી કરવાનો નિર્ણય લેવાય એવી શક્યતા હતી. જોકે એકનાથ શિંદે અને રામદાસ કદમ શિવસેનાના નેતાપદે છે. તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે તો તેમનો પક્ષમાં પાછા ફરવાનો રસ્તો બંધ થઈ જાત. આમ થાય તો શિવસેનાની અત્યારની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એકનાથ શિંદે અને રામદાસ કદમ સહિતના નેતાઓ હજી પણ પાછા આવી શકે છે એવી આશા શિવસેનાના કેટલાક નેતાઓને છે એટલે જ પક્ષે અત્યારે વેઇટ ઍન્ડ વૉચની ભૂમિકા લીધી હોવાનું કહેવાય છે.

શિવસેનાની એક્ઝિક્યુટિવ બેઠકમાં કેટલાક ઠરાવ પાસ કરવામાં આવ્યા હતા. એમાં શિવસેના બાળાસાહેબ ઠાકરેની હતી અને કાયમ રહેશે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર કાર્યકારણીને વિશ્વાસ છે એટલે તેમને પક્ષ સંબંધી નિર્ણય લેવાનો અધિકાર છે, બળવો કરનારાઓ સામે કઠોર કાર્યવાહી કરવાનો અધિકાર પણ પક્ષપ્રમુખને છે, બાળાસાહેબ ઠાકરે અને શિવસેના આ નામ અન્ય કોઈ વાપરી નહીં શકે, શિવસેનાની મરાઠી અસ્મિતા અને હિન્દુત્વ સાથેનો નાતો કાયમ રહેશે અને આગામી ચૂંટણીઓમાં શિવસેનાનો ભગવો ફરકાવવાનો નિર્ધાર વગેરે સામેલ છે.

mumbai mumbai news shiv sena maharashtra uddhav thackeray