થાણેમાં એકનાથ શિંદેને સમર્થન આપવા માટે શિવમેદની ઊમટી

26 June, 2022 10:47 AM IST  |  Mumbai | Mehul Jethva

ત્યાર બાદ એકનાથ શિંદેના પુત્ર અને સંસદસભ્ય શ્રીકાંત શિંદે ગઈ કાલે પોતાની તાકાત બતાવવા માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા

ગઈ કાલે એકનાથ શિંદેના બંગલાની બહાર ભેગા થયેલા શિવસૈનિકો (તસવીર : સમીર માર્કન્ડે)

એકનાથ શિંદેના બળવા પછી શિવસૈનિકો બળવાખોર વિધાનસભ્યોનાં કાર્યાલયો અને ઘરો પર હુમલો કરવા માટે રાજ્યભરમાં રસ્તા પર ઊતરી આવ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ એકનાથ શિંદેનાં પોસ્ટરો ફાડવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ એકનાથ શિંદેના પુત્ર અને સંસદસભ્ય શ્રીકાંત શિંદે ગઈ કાલે પોતાની તાકાત બતાવવા માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા. તેમની સાથે થાણેના મેયર નરેશ મ્હસ્કે પણ હતા. આ સમયે કાર્યકરોની મોટી ભીડ જોવા મળી હતી. ‘શિંદેસાહબ, તુમ આગે બઢો, હમ તુમારે સાથે હૈ’, ‘શિવસેના ઝિંદાબાદ’ જેવા નારા ભેગા થયેલા એકનાથ સમર્થકોએ લગાવ્યા હતા. આ સમયે નરેશ મ્હસ્કેએ જાહેરાત કરી હતી કે થાણેના તમામ નગરસેવકો શિંદેસાહેબ સાથે છે.

શ્રીકાંત શિંદેએ સમર્થકોને સંબોધન કરતાં કહ્યું હતું કે ‘થાણેમાં પાલકપ્રધાન એકનાથ શિંદેએ કોઈ દિવસ બીજા પક્ષના લોકોનું ફન્ડ કોઈ કાર્યમાં અટકાવ્યું નથી. બીજા પક્ષના કાર્યકરોને પણ આગળ વધારવાનું કાર્ય એકનાથ શિંદેએ કર્યું છે. એનસીપીનું પ્રભુત્વ ધરાવતા જિલ્લામાં શિવસેનાના કાર્યકરોની સ્થિતિ શું છે એ અમને ખબર છે. ત્યાંના સ્થાનિક વિધાનસભ્યોએ અનેક વાર પોતાના વિસ્તારના ફન્ડ માટે જિલ્લાના પાલકપ્રધાન જેઓ એનસીપીના છે તેમની પાસે ગયા હતા, પરંતુ તેમને ફન્ડ આપવામાં આવ્યું નહોતું. શિવસૈનિકોની આવી હાલત હોય તો સત્તામાં રહેવાનો શો અર્થ? એટલું જ નહીં, શિવસેનાને દબાવવાનું કામ આ બંને પક્ષો અને ખાસ કરીને એનસીપી દ્વારા કરવામાં આવ્યું હતું. ઘણી વખત અમે આની ફરિયાદો કરી હતી, પરંતુ તેમણે સાંભળી નહોતી. અત્યારે પણ વિધાનસભ્યો કહી રહ્યા છે કે અમે શિવસેનામાં છીએ, એનસીપી અને કૉન્ગ્રેસ સાથેનું ગઠબંધન તોડો; પણ તેઓ ધ્યાન આપવા માટે તૈયાર નથી.’

નરેશ મ્હસ્કેએ સમર્થકોને સંબોધન કરતાં કહ્યું હતું કે ‘થાણેના શિવસૈનિકો શિંદેસાહેબની સાથે છે અને અંત સુધી રહેશે. કેટલાક સમાચાર એવા આવ્યા કે સાહેબના બૅનરને કાળું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હું તેમને કહેવા માગું છું કે જ્યારે અમે રસ્તા પર ઊતરીશું ત્યારે ભારે પડશે. અત્યાર સુધી અમે સંયમ રાખ્યો છે. થાણેમાં આજે કોઈ પણ રીતે કોઈની વિરુદ્ધ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. અમે દીઘેસાહેબની સંસ્કૃતિમાં મોટા થયા છીએ. આજે પણ અમે શિવસેનામાં છીએ.’

mumbai mumbai news shiv sena maharashtra mehul jethva