બાળાસાહેબની શિવસેનાનું કટ્ટર હિન્દુત્વ ક્યાં ગયું?

11 September, 2022 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસ-એનસીપી સાથે ઉદ્ધવ ઠાકરેએ હાથ મિલાવ્યા બાદ દહીહંડી કે ગણેશોત્સવમાં શુભેચ્છા આપવાનું ભૂલી ગયા : બીજી તરફ હિન્દુઓના આ તહેવારમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણસવીસ મુંબઈ સહિત રાજ્ય ખૂંદી વળ્યા

ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે

એનસીપી અને કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવ્યા બાદ બાળાસાહેબની કટ્ટર હિન્દુત્વવાદી પક્ષની ઇમેજ અત્યારના શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભુલાવી દીધી હોવાની લાગી રહ્યું છે. તેમણે મહારાષ્ટ્રના સૌથી મોટા તહેવાર ગણાતા દહીહંડી કે ગણેશોત્સવમાં એક પણ શુભેચ્છા ન આપી હોવાનો દાવો બીજેપીના નેતા મોહિત કમ્બોજે કર્યો છે. તેમણે ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવતી ટ્વીટમાં લખ્યું હતું કે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને લીધે રાજ્યભરમાં હિન્દુઓના તહેવારમાં લોકો ભારે ઉત્સાહથી જોડાયા હતા, પરંતુ શિવસેના-પ્રમુખ એક સાદી શુભેચ્છા આપવામાંથીયે ગયા છે. મુંબઈમાં ૧૯૯૩માં કરવામાં આવેલા સૌથી મોટા બૉમ્બધડાકાના આરોપી આતકંવાદી યાકુબ મેમણની કબરનો મામલો ચગ્યો છે એવામાં ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વને કોરાણે મૂકી દીધું હોવાનો આરોપ થઈ રહ્યો છે.

બીજેપીના નેતા મોહિત કમ્બોજે શુક્રવારે અનંત ચતુદર્શીએ ગણેશોત્સવનું સમાપન થયા બાદ ગઈ કાલે ટ્વીટ કરીને ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવ્યા હતા. ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે ‘શ્રી ઉદ્ધવ ઠાકરેજીએ આ વર્ષે મહારાષ્ટ્રની ૧૨ કરોડ જનતાને ના ગણેશોત્સવની શુભેચ્છા આપી કે ના દહીહંડીના ઉત્સવની આપી. અઢી વર્ષ બાદ હિન્દુઓ જે ઉત્સાહથી આ બંને તહેવારોની ઉજવણી કરી શક્યા એ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો દિલથી આભાર. હર હર મહાદેવ.’

મહાવિકાસ આઘાડી સરકારનું પતન થયા બાદ આ વર્ષે મહારાષ્ટ્રના સૌથી મોટા ગણાતા તહેવાર દહીહંડી અને ગણેશોત્સવ લોકોએ ભારે ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવ્યા હતા. સામાન્ય રીતે આ મોટા તહેવારોમાં દરેક પક્ષના નેતાઓ રાજ્યની જનતાને શુભેચ્છા આપતા હોય છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે પોતાને કટ્ટર હિન્દુત્વવાદી ગણાવતા શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કે તેમના પુત્ર આદિત્ય ઠાકરેએ આ તહેવારોમાં લોકોને એક પણ વખત શુભેચ્છા ન આપી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આથી સવાલ થઈ રહ્યો છે કે શું ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વને કોરાણે મૂકી દીધું છે? બીજી તરફ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ બંને તહેવારમાં મુંબઈ અને થાણે સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મુલાકાતો કરીને સામાન્ય લોકોને શુભેચ્છા આપવાની સાથે ભગવાનના આશીર્વાદ લીધા હતા. બંને નેતાઓ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી કહી રહ્યા છે કે આ સરકાર સામાન્ય લોકોની છે.

યાકુમ મેમણની કબર બાબતે ઘમસાણ

મુંબઈમાં ૧૯૯૩માં કરવામાં આવેલા સૌથી મોટા બૉમ્બધડાકામાં ગુનેગાર ઠરેલા યાકુબ મેમણની બડા કબ્રસ્તાનમાં આવેલી કબરની ઉદ્ધવ ઠાકરેની આગેવાની મહવિકાસ આઘાડી સરકારે સજાવટ કરીને ભારતના લોકોનું અપમાન કર્યું હોવાનો આરોપ બીજેપી સહિતના પક્ષો કરી રહ્યા છે. એવામાં બીજેપીએ તો શિવસેનાનાં નગરસેવિકા અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરનો રઉફ મેમણ સાથેની બેઠકનો વિડિયો શૅર કર્યો હતો, જે ખૂબ વાઇરલ થયો છે. આની સામે કિશોરી પેડણેકરે યાકુબ મેમણના સાવકા ભાઈ રઉફ મેમણનો દેવેન્દ્ર ફડણવીસ સાથેનો ફોટો શૅર કર્યો છે. આથી બંને પક્ષે આ મામલે ઘમસાણ ચાલી રહ્યું છે. કૉન્ગ્રેસના નેતા સચિન સાવંતે પણ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને રઉફ મેમણનો ફોટો શૅર કરીને તેમના શું સંબંધ છે એવો સવાલ કર્યો છે. યાકુબ મેમણની કબરની સજાવટ સાથે મહાવિકાસ આઘાડી સરકારને કોઈ લેવાદેવા ન હોવાનો દાવો કરાયા બાદ બીજેપીના નેતાઓએ કિશોરી પેડણેકરનો જુમ્મા મસ્જિદના પદાધિકારી સાથેનો વિડિયો પોસ્ટ કરીને શિવસેનાની કથની અને કરણી સામે સવાલ કર્યો હતો.

mumbai mumbai news maharashtra indian politics shiv sena bharatiya janata party uddhav thackeray eknath shinde devendra fadnavis