BJPના વિધાનસભ્ય શિવાજી કર્ડિલેનું મૃત્યુ

18 October, 2025 11:56 AM IST  |  Ahilyanagar | Gujarati Mid-day Correspondent

રાહુરીના ૬૬ વર્ષના MLA માટે હૃદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો, સરપંચ તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા પછી ૬ વાર વિધાનસભ્ય બન્યા હતા

BJPના વિધાનસભ્ય શિવાજી કર્ડિલે

અહિલ્યાનગર જિલ્લાના રાહુરીના ​ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય શિવાજીરાવ કર્ડિલેનું ગઈ કાલે સવારે મૃત્યુ થયું હતું. ૬૬ વર્ષના શિવાજીરાવને હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલિક અહિલ્યાનગરની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. તેમના પરિવારમાં તેમનાં પત્ની, દીકરો અને દીકરીનો સમાવેશ થાય છે.

BJPનાં સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષથી તેમને કરોડરજ્જુની સમસ્યા હતી એટલે તેઓ જાહેર જીવનમાં બહુ દેખાતા નહોતા.

કર્ડિલેએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત સરપંચ તરીકે કરી હતી. ૬ વખત તેઓ વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ૨૦૧૯માં તેઓ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં પ્રાજક્તા તાનપુરે સામે હારી ગયા હતા. જોકે ૨૦૨૪માં તેઓ ફરી ચૂંટાઈ આવ્યા હતા. તેમનો દીકરો હાલ અહિલ્યાનગર BJPની યુવા પાંખનો નેતા છે, જ્યારે જમાઈ સંગ્રામ જગતાપ અહિલ્યાનગરના અહમદનગરના વિધાનસભ્ય છે.

આપણે લોકોની નાડ સાથે જોડાયેલા નેતા ગુમાવ્યા : દેવેન્દ્ર ફડણવીસ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવાજીરાવ કર્ડિલેને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે ‘વિધાનસભ્ય શિવાજીરાવ કર્ડિલેના નિધનને કારણે જનસામાન્યની નાડ સાથે જોડાયેલા અને ગ્રામીણ લોકોના વિકાસ માટે ઝઝૂમનારા નેતા આપણે ગુમાવ્યા છે. સહકાર-અભિયાનમાં સક્રિય રહેલા વિધાનસભ્ય કર્ડિલેએ રાહુરી મતદાર સંઘ અને અહિલ્યાનગરના વિકાસને હંમેશાં મહત્ત્વ આપ્યું હતું. એથી જ તેઓ આ મતદાર સંઘમાં સતત ચૂંટાઈ આવતા હતા. તેમના નિધનને કારણે તેમના મતવિસ્તારે એક સંવેદનશીલ નેતા ગુમાવ્યા છે.

ahilyanagar bharatiya janata party maharashtra news maharashtra mumbai mumbai news devendra fadnavis