06 August, 2026 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈ સેન્ટ્રલની નાયર હૉસ્પિટલની બહાર વિરોધ-પ્રદર્શન કરતા ડૉક્ટરો.
સરકાર દ્વારા હોમિયોપૅથિક મેડિસિન પ્રૅક્ટિસ કરનારા ડૉક્ટરોને મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC) હેઠળ રજિસ્ટર કરવાની અને ઍલોપૅથિક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાની પરવાનગી અપાતાં ધ મહારાષ્ટ્ર અસોસિઅેશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD) દ્વારા બેમુદત હડતાળ પાડવામાં આવી છે. એના કારણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ઉપરાંત આખા રાજ્યની સરકારી હૉસ્પિટલોમાં આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) વૉર્ડમાં અસર જોવા મળી હતી અને દરદીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
અદાલતમાં આ વિશે આખરી ચુકાદો આવે એ પૂર્વે બૅચલર ઑફ હોમિયોપૅથિક મેડિસિન ઍન્ડ સર્જરી-સર્ટિફિકેટ કૉર્સ ઇન મૉડર્ન ફાર્મકોલૉજી (BHMS-CCMP)ના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે એવી માગણી MARD દ્વારા કરવામાં આવી છે.
JJ હૉસ્પિટલ સહિતની હૉસ્પિટલોમાં દેખાવો, ઇમર્જન્સી સર્વિસ પણ બંધ કરવાની ચીમકી
મુંબઈમાં સર JJ હૉસ્પિટલ અને ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં ડૉક્ટરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને સરકારના નિર્ણય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જો તેમની માગણીઓ પૂરી ન થાય તો બુધવારે મધરાતથી ઇમર્જન્સી સર્વિસ પણ બંધ કરી દેવાની ચીમકી MARDના જનરલ સેક્રેટરી ડૉક્ટર આશુતોષે આપી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર અમારી વાત નહીં માને તો બુધવારે રાતથી ફક્ત કોઈનો જીવ જોખમમાં હોય એવા જ કેસને જોવામાં આવશે.