હવે પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન મુંબઈમાં ગમે ત્યાં કરાવો

15 October, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાગુ પડતી હોય એ જ ઑફિસમાં જવું જરૂરી નહીં, છમાંથી ગમે તે ઑફિસમાં કામ થઈ જશે

મુંબઈ અને સબર્બમાં આવેલી કોઈ પણ સબ-રજિસ્ટ્રારની ઑફિસમાં કરાવી શકાશે

મહારાષ્ટ્રના રેવન્યુ ડિપાર્ટમેન્ટે ગઈ કાલે જાહેર કર્યું હતું કે મુંબઈગરા હવે તેમની પ્રૉપર્ટીની લેવડદેવડ સહિતની કામગીરી માટેના દસ્તાવેજોનું રજિસ્ટ્રેશ‌ન એ વિસ્તારના જુરિસ્ડિક્શન સિવાયની મુંબઈ અને સબર્બમાં આવેલી કોઈ પણ સબ-રજિસ્ટ્રારની ઑફિસમાં કરાવી શકાશે. અત્યાર સુધી ઘર અને એસ્ટૅબ્લિશમેન્ટ એ જે જુરિસ્ડિક્શનમાં આવતાં હોય ત્યાંની જ રજિસ્ટ્રેશન ઑફિસમાં રજિસ્ટર કરાવવાં પડતાં હતાં. હવે રેવન્યુ ડિપાર્ટમેન્ટે આ નિયમ કાઢી નાખ્યો છે.

રેવન્યુ મિનિસ્ટર ચંદ્રકાન્ત બાવનકુળેએ આ બાબતે કહ્યું હતું કે ‘આ પગલાને કારણે લોકોને મોટી રાહત થશે, કારણ વગર લાંબી મુસાફરી નહીં કરવી પડે અને ઍડ્મિનિસ્ટ્રેટિવ પ્રોસેસ પણ 
સહેલી થઈ જશે. સત્તાવાર રીતે સરકારે ગૅઝેટ બહાર પાડીને આ પગલું લીધું છે.’

સમય બચશે અને કામગીરી સરળ થશે
આ સુધારાને કારણે હવે મુંબઈગરા તેમની પ્રૉપર્ટીનું ઍગ્રીમેન્ટ, રેન્ટ ઍગ્રીમેન્ટ, વસિયતનામું અને અન્ય જરૂરી દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન મુંબઈની છ સ્ટૅમ્પ-ઑફિસો બોરીવલી, કુર્લા, અંધેરી, મુંબઈ સિટી અને ઑલ્ડ કસ્ટમ્સ હાઉસ પાસે આવેલી બે ઑફિસમાંથી ગમે ત્યાં કરાવી શકશે. પરિણામે લોકોનો સમય બચશે અને કામગીરી સરળ થઈ જશે.

mumbai news mumbai property tax maharashtra news maharashtra mumbai suburbs