20 February, 2026 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનામાં ઇલેક્ટ્રૉનિક-નો યૉર કસ્ટમર (e-KYC) ચકાસણી શરૂ થયા પછી લાભાર્થીઓની સંખ્યામાં ૮૬ લાખનો ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં ગયા વર્ષ સુધી આ યોજના હેઠળ ૨.૪ કરોડથી વધુ લાભાર્થીઓ હતા. ડિસેમ્બર મહિના માટે જાન્યુઆરીમાં ૧.૬ કરોડ લાભાર્થીઓને જ પૈસા ચૂકવવામાં આવ્યા હતા.
૨.૪ કરોડથી વધુ લાભાર્થીઓમાંથી માત્ર ૧.૯ કરોડ મહિલાઓએ સપ્ટેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધીમાં e-KYCના ડૉક્યુમેન્ટ્સ સબમિટ કર્યા હતા. એમાંથી ૧.૬ કરોડ મહિલાઓ જેમની e-KYCની વિગતો યોગ્ય હતી તેમને જ ડિસેમ્બર માટે પેમેન્ટ આપવામાં આવ્યું હતું. હવે e-KYC ડૉક્યુમેન્ટ્સ સબમિટ કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ સુધી લંબાવવામાં આવી છે. યોજના માટે ભંડોળની ફાળવણી થઈ ન હોવાથી લાભાર્થીઓને જાન્યુઆરી મહિનાનું ૧૫૦૦ રૂપિયાનું પેમેન્ટ હજી સુધી મળ્યું નથી. જોકે ગઈ કાલે જ આ યોજના માટે સરકારે ૯૮.૪૫ કરોડ રૂપિયાનું ફન્ડ ફાળવ્યું છે. અધિકારીઓના જણાવવા મુજબ જાન્યુઆરી અને ફેબ્રુઆરી સાથે માર્ચ મહિનાનું પેમેન્ટ પણ લાભાર્થી મહિલાઓના ખાતામાં સાથે જમા થઈ શકે છે.