પવાર કેન્દ્રમાં વિરોધ પક્ષોનો યુનાઇટેડ ફ્રન્ટ બનાવવા માગે છે : નવાબ મલિક

13 June, 2021 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉત કહે છે કે કમજોર થઈ હોવા છતાં કૉન્ગ્રેસ પક્ષ હજી મહત્ત્વનો છે

નવાબ મલિક અને શરદ પવાર

એનસીપીના ચીફ શરદ પવાર કેન્દ્રમાં બીજેપીની સરકારનો સામનો કરવા માટે મુખ્ય વિરોધ પક્ષો સાથે મળીને યુનાઇટેડ ફ્રન્ટ બનાવવા માગતા હોવાથી તેમણે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાનું મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપી નેતા નવાબ મલિકે ગઈ કાલે જણાવ્યું હતું.

નવા મલિકે કહ્યું હતું કે ‘શુક્રવારે શરદ પવારના મુંબઈના નિવાસસ્થાને લંચ સમયે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને મળ્યા હતા. ત્રણ કલાક બેઠક ચાલી હતી. તેમને એનસીપીના રણનીતિકાર બનાવવા માટે કોઈ ચર્ચા નહોતી થઈ. તેઓ જાણીતા રણનીતિકાર છે. તેઓ ચૂંટણીને જુદી રીતે ઍનલાઇઝ કરે છે. તેમણે શરદ પવારસાહેબ સાથે પોતાના અનુભવો શૅર કર્યા હતા. તેમણે દેશમાં અત્યારે ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ વિશે ચોક્કસપણે વાત કરી હશે. પવારસાહેબ કેન્દ્રમાં વિરોધ પક્ષોનો ફ્રન્ટ બનાવવા માગે છે. આગામી દિવસોમાં બીજેપીનો સામનો કરવા માટે મજબૂત વિરોધ પક્ષ ઊભો કરવાના પ્રયાસ કરાશે.’

શરદ પવાર વિરોધ પક્ષોને સાથે રાખીને યુનાઇટેડ ફ્રન્ટ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. કદાચ તેઓ કૉન્ગ્રેસને બાજુમાં રાખીને પોતે આગેવાની કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે ગઈ કાલે જળગાંવમાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ આજે કમજોર થઈ હોવા છતાં તે દેશનો એક મુખ્ય વિરોધ પક્ષ છે. કેરલા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આસામ જેવાં રાજ્યોમાં હજીયે આ પક્ષની તાકાત કાયમ છે. કૉન્ગ્રેસ સિવાય દેશનો વિરોધ પક્ષોનો ફ્રન્ટ પૂરો ન થઈ શકે. પ્રશાંત કિશોરની શરદ પવાર સાથે મુલાકાતથી દેશના રાજકારણમાં મોટી ઊથલપાથલ થવાની શક્યતા લાગતી નથી. હા, કેન્દ્રમાં દેશના જે પ્રાદેશિક અને વિરોધ પક્ષો છે એમણે એકસાથે આવીને એક મજબૂત વિરોધ પક્ષ ઊભો કરવાની જરૂર છે.’

તાજેતરમાં યોજાયેલી તામિલનાડુ અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં વધુ એક વખત પુરવાર કર્યું છે કે તેઓ ચૂંટણીની રણનીતિ ઘડવામાં કેટલા ચતુર છે. પશ્ચિમ બંગાળમાં મમતા બૅનરજીની પાર્ટી ​તૃણમૂલ કૉન્ગ્રેસે ૨૧૩ બેઠક મેળવીને ત્રીજી વખત વિજય મેળવ્યો હતો, જ્યારે ૨૦૦થી વધુ બેઠકો મેળવવાનો દાવો કરનારી બીજેપીને ૭૭ બેઠક જ મળી હતી. આ ચૂંટણી દરમ્યાન પ્રશાંત કિશોરે જાહેર કર્યું હતું કે પશ્ચિમ બંગાળમાં બીજેપી ૧૦૦થી વધુ બેઠક મેળવશે તો તેઓ સંન્યાસ લઈ લેશે. પ્રશાંત કિશોરે કરેલા આકલન મુજબ જ પશ્ચિમ બંગાળની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. આવી જ રીતે તેમણે તામિલનાડુમાં ડીએમકેના ચીફ એમ. કે. સ્ટાલિનને મદદ કરતાં તેમનો વિજય થયો હતો.

રાજકીય વ્યૂહરચનાકાર તરીકે પ્રશાંત કિશોરે ચૂંટણીમાં અનેક પક્ષો સાથે કામ કર્યું છે. નોંધનીય છે કે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વખતે પ્રચારની રણનીતિ તૈયાર કરવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા હતા.

mumbai mumbai news maharashtra sharad pawar nationalist congress party congress