શિવસેનાના સંજય ગાયકવાડે કેન્ટીનના કર્મચારીને મારી થપ્પડ, ઉપરથી કહ્યું કે...

09 July, 2025 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે મુંબઈમાં એમએલએ હોસ્ટેલના કેન્ટીનના કર્મચારીને થપ્પડ માર્યો, વાસી દાળ-ભાતને લઈ કર્યો હતો હંગામો; વીડિયો વાયરલ થયા બાદ `અફસોસ ન હોવાની` કરી સ્પષ્ટતા

વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશૉટ્સ

મહારાષ્ટ્ર (Maharashtra)માં વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. તેથી, ઘણા ધારાસભ્યો આકાશવાણી ધારાસભ્ય નિવાસસ્થાન (Akashvani MLA residence)માં રોકાયા છે. મંગળવારે રાત્રે ધારાસભ્ય નિવાસસ્થાનમાં ઘણો હંગામો થયો હતો. જેના વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Video) થયા છે. આ વાયરલ વીડિયોમાં શિવસેના (Shiv Sena)ના ધારાસભ્ય સંજય ગાયકવાડ (Sanjay Gaikwad)એ એમએલએ હોસ્ટેલ (MLA Hostel Canteen)ના કેન્ટીનના કર્મચારીને થપ્પડ માર્યો છે. બાદમાં તેમણે સ્પષ્ટતા કરવાની પણ ફરજ પડી છે.

એકનાથ શિંદે (Eknath Shinde)ની શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ (Sanjay Gaikwad punches canteen staff)એ ચર્ચગેટ (Churchgate) સ્થિત એમએલએ હોસ્ટેલ કેન્ટીનમાં હંગામો મચાવ્યો હતો. તેમણે કેન્ટીનના ખોરાકને લઈને એક કર્મચારીને ઉગ્ર માર માર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભોજનની ગુણવત્તા અંગે ગુસ્સે હતા. સંજય ગાયકવાડ પહેલા પણ વિવાદોમાં રહી ચૂક્યા છે.

શિવસેનાના સંજય ગાયકવાડ હાલમાં ધારાસભ્ય નિવાસમાં રહે છે. તેઓ કેન્ટીનમાં રાત્રિભોજન કરી રહ્યા હતા. તેમને આપવામાં આવેલી દાળ નબળી ગુણવત્તાની હતી, જેના કારણે તેઓ ગુસ્સે થયા અને મારપીટ કરી. સંજય ગાયકવાડે કહ્યું કે, ‘જો તેઓ ધારાસભ્ય હોવા છતાં અમને આવી દાળ આપી રહ્યા છે, તો તેઓ સામાન્ય લોકોને કેવા પ્રકારની દાળ આપશે?’ પહેલા તેઓ કાઉન્ટર પર ગયા અને કેન્ટીન મેનેજરને ફોન કર્યો. તેણે બગડેલી દાળની સુગંધ લેવા કહ્યું. આ પછી ગાયકવાડનો ગુસ્સો વધુ વધી ગયો. સંજય ગાયકવાડે તેને માર મારવાનું શરૂ કર્યું. આસપાસના લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે અટક્યો નહીં. તેણે ફૂડ વિભાગને તે દાળ મોકલવા પણ કહ્યું.

ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ મામલાએ જોર પકડ્યા બાદ ધારાસભ્ય સંજય ગાયકવાડનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે, ‘હું રાત્રે લગભગ ૯.૩૦ વાગ્યે કેન્ટીનમાં જમવા ગયો હતો. મેં `વરણ ભાત` ખાધો, પણ પહેલો કોળિયો મોંમાં નાખતાની સાથે જ તેનો સ્વાદ ખાટો થઈ ગયો હતો તે સમજાયું. બીજા કોળિયા પછી મને ઉલટી થઈ. જ્યારે મેં તેની ગંધ લીધી, ત્યારે મને ખ્યાલ આવ્યો કે ખોરાક (વરણ-ભાત) વાસી હતો.’ ત્યારે ગાયકવાડે પ્રશ્ન ઉઠાવ્યો, ‘શું અમને ઝેર પીરસવામાં આવી રહ્યું છે? ગ્રામીણ વિસ્તારોના ઘણા ધારાસભ્યો અહીં રહે છે. શું તેમની સાથે આવો વ્યવહાર કરવામાં આવશે?` તેમણે કેન્ટીનની નબળી ગુણવત્તા અંગે પહેલા બે વાર ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ સુધારો થયો નથી. આ સહન કરી શકાય નહીં.’

જ્યારે ગાયકવાડને કર્મચારી પર હુમલો કરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘મેં કંઈ ખોટું કર્યું નથી. ખોરાક ખૂબ જ ખરાબ હાલતમાં હતો. જો આવું ભોજન ફરીથી પીરસવામાં આવશે, તો હું તેમને ફરીથી ફટકારીશ. મને કોઈ અફસોસ નથી.’

shiv sena eknath shinde churchgate viral videos political news maharashtra news maharashtra mumbai mumbai news