20 September, 2024 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના સાવંતવાડી તાલુકામાં આવેલા આજગાવમાં રહેતા ૩૦ વર્ષના યોગેશ આર્યા નામના યુવકને છેલ્લા કેટલાક દિવસથી સપનું આવતું હતું કે તેના ગામથી ૨૭૦ કિલોમીટર દૂર આવેલા ખેડ જિલ્લાના ભોસ્તે ઘાટમાં ખેડ રેલવે-સ્ટેશન પાસેથી કોઈ મૃત્યુ પામેલી વ્યક્તિ મદદ કરવા માટે વિનંતી કરી રહી છે. પહેલાં તો યોગેશે સપનાને અવગણ્યું હતું. જોકે વારંવાર આ સપનું દેખાવા લાગતાં યોગેશ આર્યા પરેશાન થઈ ગયો હતો. આથી યોગેશે ખેડ પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસ તો પહેલાં આ વાત માનવા તૈયાર નહોતી, પણ યોગેશે કહ્યું કે સપનાથી તે ખૂબ પરેશાન થઈ ગયો છે એટલે એક વાર તપાસ કરવામાં આવે તો કદાચ કંઈ મળે. આથી ખેડ પોલીસે બુધવારે મુંબઈ-ગોવા નૅશનલ હાઇવે પર ખેડ રેલવે-સ્ટેશનની નજીક આવેલા ભોસ્તે ઘાટના નિર્જન સ્થળે તપાસ કરી હતી. પોલીસના આશ્ચર્ય વચ્ચે અહીંથી એક માનવ-ખોપરી અને કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યાં હતાં. ભોસ્તે ઘાટથી ૨૭૦ કિલોમીટર દૂર આવેલા સાવંતવાડી ગામમાં રહેતા યોગેશ આર્યાને મદદ કરવા માટેની વિનંતીનું સપનું આવવું અને ઘાટમાંથી માનવ-મૃતદેહ મળી આવવાની ઘટનાથી લોકોની સાથે પોલીસ પણ ચોંકી ઊઠી છે. યોગેશને સપનામાં જે જગ્યા દેખાતી હતી ત્યાંથી જ મૃતદેહ મળી આવ્યો છે. ખેડ પોલીસે મળી આવેલા આ મૃતદેહને પોસ્ટમૉર્ટમ કરવા માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક રીતે કોઈકે હત્યા કરીને માથું કાપી નાખ્યા બાદ મૃતદેહને ઘાટમાં ફેંકી દીધો હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.