૧૭ સપ્ટેમ્બરથી બીજી ઑક્ટોબર સુધી હશે ‘રાષ્ટ્રનેતાથી રાષ્ટ્રપિતા’નું પખવાડિયું

13 September, 2022 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલા દિવસે નરેન્દ્ર મોદી અને છેલ્લા દિવસે ગાંધીજીનો જન્મદિવસ હોવાથી રાજ્ય સરકારે આ ૧૫ દિવસમાં સામાન્ય લોકોની અરજી કે ફરિયાદનો નિકાલ સ્થાનિક ધોરણે લાવવાનો કર્યો નિર્ણય

ફાઇલ તસવીર

પહેલા દિવસે નરેન્દ્ર મોદી અને છેલ્લા દિવસે ગાંધીજીનો જન્મદિવસ હોવાથી રાજ્ય સરકારે આ ૧૫ દિવસમાં સામાન્ય લોકોની અરજી કે ફરિયાદનો નિકાલ સ્થાનિક ધોરણે લાવવાનો કર્યો નિર્ણય. એ સિવાય કૅબિનેટની મીટિંગમાં લમ્પી વાઇરસ, પૂરને લીધે નુકસાન થતાં એ વિસ્તારમાંથી લોકોનું સમયસર સ્થળાંતર-વળતર સંબંધી નિર્ણય પણ લેવાયા

રાજ્યના સૌથી મોટા દહીહંડી અને ગણેશોત્સવ તહેવાર પૂરા થયા બાદ ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં રાજ્યના કૅબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણય લેવાયા હતા. દર વર્ષે પૂરને લીધે રાજ્યના અનેક જિલ્લામાં ભારે નુકસાન થાય છે. આ સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવવા માટે સરકારે દરેક જિલ્લામાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સિસ્ટમને સક્ષમ બનાવીને ચોમાસામાં જોખમમાં મુકાતા વિસ્તારમાંથી લોકોને સમયસર સ્થળાંતરિત કરીને જાન-માલ બચાવવાના નિર્દેશ આપ્યા છે. કોરોના મહામારીમાં મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા સપોર્ટ સ્ટાફને કૉન્ટ્રૅક્ટ પદ્ધતિથી રાજ્યભરમાં કામે લગાડવામાં આવ્યા હતા. તબીબી વિભાગમાં જ્યારે પણ કર્મચારીઓની ભરતી થાય ત્યારે આ કર્મચારીઓને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગાય સહિતનાં પ્રાણીઓમાં અત્યારે લમ્પી સ્કિન વાઇરસ ફેલાઈ રહ્યો છે એને કાબૂમાં રાખવા માટે આરોગ્ય વિભાગને આ સંબંધે લોકોમાં જાગૃતિ લાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૭ સપ્ટેમ્બરથી બીજી ઑક્ટોબર સુધીના પખવાડિયામાં સામાન્ય લોકોની અરજી કે ફરિયાદનો નિકાલ સ્થાનિક ધોરણે લાવવાની જાહેરાત કૅબિનેટની બેઠકમાં કરવામાં આવી હતી.

તબીબી કર્મચારીઓને પ્રાથમિકતા
કોરોના મહામારીમાં જ્યારે આખી દુનિયા ભયથી કંપી રહી હતી અને લોકો ઘરમાં પુરાઈ ગયા હતા ત્યારે આ જીવલેણ વાઇરસનો મુકાબલો તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓએ કરીને પોતાની સાથે કરોડો લોકોના જીવ બચાવ્યા હતા. મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં ભારતમાં સૌથી મોટું જોખમ ઊભું થયું હતું. આ સમયે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસને મોટા પ્રમાણમાં તબીબી સહાયક, આશા અને આંગણવાડીના કાર્યકરો તેમ જ તબીબી કર્મચારીઓને કૉન્ટ્રૅક્ટ પદ્ધતિથી કામે રાખ્યા હતા. તેમની આ સેવાને ધ્યાનમાં રાખીને કૅબિનેટની બેઠકમાં તેમને જ્યારે પણ સાર્વજનિક આરોગ્ય વિભાગમાં નોકરીની ભરતી નીકળે ત્યારે તેમના કામને આધારે પ્રાથમિકતા આપવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા આવા લોકોને સરકારી નોકરીમાં મોકો મળી શકશે.

જોખમી વિસ્તારોમાં પુનર્વસન
રાજ્યમાં દર વર્ષે ચોમાસામાં મોટા ભાગના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે, જેમાં મોટા પ્રમાણમાં જાલ-માલને નુકસાન થાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ માટે જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સિસ્ટમ દ્વારા જોખમી વિસ્તારની ઓળખ કરીને અહીં રહેનારાઓને ચોમાસા પહેલાં સલામત સ્થળે સ્થળાંતરિત કરવાની સાથે તેમને વળતર ચૂકવવા સંબંધી નિર્ણય કૅબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. દરેક જિલ્લાના અધિકારીઓને તેમના જિલ્લાની કાયમી સમસ્યા અને એના ઉકેલ માટે અત્યારથી જ પ્રયાસ શરૂ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાષ્ટ્રનેતાથી રાષ્ટ્રપિતાનું પખવાડિયું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૭ સપ્ટેમ્બરે જન્મદિવસ છે અને મહાત્મા ગાંધીની બીજી ઑક્ટોબરે જયંતી આવે છે. આ ૧૫ દિવસ ‘રાષ્ટ્રનેતાથી રાષ્ટ્રપિતા’ તરીકે મનાવવાનો નિર્ણય કૅબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ પખવાડિયા દરમ્યાન સ્થાનિક સ્તરે સામાન્ય નાગરિકોની ફરિયાદ અને અરજીઓનો તાત્કાલિક નિકાલ લાવવામાં આવશે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વિશે કહ્યું હતું કે ‘આ પખવાડિયામાં પ્રશાસન તરફથી સામાન્ય લોકોની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરાશે. આથી આ ૧૫ દિવસ લોકોની સેવા કરવામાં આવશે. રાષ્ટ્રનેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાને લોકોના સેવક કહે છે, જ્યારે મહાત્મા ગાંધીમાં તો રાષ્ટ્રભક્તિ રગેરગમાં ભરાયેલી હતી. આથી તેમના માનમાં સેવાયજ્ઞ કરાશે.’

લમ્પી-સ્કિન વાઇરસને નિયંત્રણમાં લાવો : મુખ્ય પ્રધાન
કૅબિનેટની બેઠકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અત્યારે ગાય સહિતનાં પ્રાણીઓમાં ફેલાઈ રહેલા લમ્પી-​સ્કિન વાઇરસ વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમણે પશુપાલન વિભાગના અધિકારીઓને આ વાઇરસને રોકવા માટેના પ્રયાસ હાથ ધરવાની સાથે લોકોમાં આ વાઇરસ સંબંધી જનજાગૃતિ કરવાના નિર્દેશ આપ્યા હતા. રાજ્યના અનેક જિલ્લામાં લમ્પી વાઇરસના મામલા સામે આવ્યા છે. પશુપાલન વિભાગના અધિકારીઓને તેમના ક્ષેત્રમાં લોકોને તાત્કાલિક ધોરણે મદદ કરવાનું કહ્યું હતું. લમ્પી વાઇરસ સંબંધિત માહિતી માટે તેમણે ટૉલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૦૪૧૮ અને ૧૧૯૬૨ જાહેર કર્યા હતા.

ખોટો ફોટો શૅર કરીને પે​ન્ગ્વિન સેના મારી બદનામી કરે છે : આશિષ શેલાર

મુંબઈ બીજેપી અધ્યક્ષ આશિષ શેલાર અને બીજેપીના મુસ્લિમ સમાજના પ્રદેશસચિવ હૈદર આઝમ સામે સોશ્યલ મીડિયામાં ફોટો વાઇરલ કરવા બદલ યુવા સેના અધ્યક્ષ આદિત્ય ઠાકરેના નજીકના ચાર લોકો સામે ગોરેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બીજેપીના નેતા આઝમના ભાઈ જાવેદ મોહમ્મદ ફારુક આઝમે આ ફરિયાદ નોંધાવી છે. આશિષ શેલારે આ સંબંધે ટ્વીટ કરી હતી, જેમાં લખ્યું હતું કે ‘પેન્ગ્વિન સેના જૂના સંર્દભ વિનાનો ફોટો શૅર કરીને મારી બદનામી કરી રહી છે. જાવેદ આઝમે અનિલ કોકીળ, નીલેશ પારડે, વિજય તેન્ડુલકર અને આકાશ બાગુલ સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે ફોટોમાં યાકુબ મેમણના ભાઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે હકીકતમાં એ વ્યક્તિ હૈદર આઝમ હતી.’

mumbai mumbai news maharashtra eknath shinde devendra fadnavis mahatma gandhi narendra modi