30 October, 2026 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પૅસેન્જરોની સુરક્ષા અને ટ્રિપની ફાળવણીમાં પારદર્શિતા લાવવા માટે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે : સ્વતંત્ર ટૅક્સી-ડ્રાઇવરો સાથે ભેદભાવ અટકાવવા ઍપ-બેઝ્ડ કંપનીઓના ઍલ્ગરિધમની થશે તપાસ
ઍપ-બેઝ્ડ પૅસેન્જર ટ્રાન્સપોર્ટ સર્વિસિસ આપતી ઍગ્રિગેટર કંપનીઓનાં વાહનો, ડ્રાઇવરો, તેમના કામના કલાકો અને ટ્રિપની ફાળવણી પર બારીકાઈથી નજર રાખવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત એક ઍડ્વાન્સ્ડ ડિજિટલ પ્લૅટફૉર્મ વિકસાવવાનો નિર્દેશ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને આપ્યો છે. પોતાના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા ખાતે મહારાષ્ટ્ર ઍગ્રિગેટર રૂલ્સ 2026ની સમીક્ષા માટે યોજાયેલી ઉચ્ચ સ્તરની બેઠકમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે શહેરમાં ઍગ્રિગેટર કંપનીઓ હેઠળ દોડતાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે મુસાફરોની સુરક્ષા, ટ્રિપની ફાળવણીમાં પારદર્શિતા અને સ્વતંત્ર ટૅક્સી-ડ્રાઇવરોનાં હિતોનું રક્ષણ કરવું અનિવાર્ય છે.
પ્રસ્તાવિત ડિજિટલ પ્લૅટફૉર્મ પર ઍગ્રિગેટર કંપનીઓ સાથે જોડાયેલા દરેક વાહન, એનું પાર્કિંગ લોકેશન, ડ્રાઇવરની સંપૂર્ણ વિગતો, ડ્રાઇવિંગ લાઇસન્સ, પોલીસ વેરિફિકેશન અને અન્ય જરૂરી દસ્તાવેજોનો અપડેટેડ ડિજિટલ રેકૉર્ડ્સ રાખવામાં આવશે.
નવા પ્લૅટફૉર્મ પર આ વિગતોનો સમાવેશ કરવાનો નિર્દેશ
કઈ શિફ્ટમાં કયો ડ્રાઇવર કયું વાહન ચલાવી રહ્યો છે એની ચોક્કસ નોંધ આ પ્લૅટફૉર્મ પર હોવી જોઈએ, જેથી કોઈ પણ અણબનાવ કે ઘટના બને ત્યારે તપાસતંત્ર તાત્કાલિક તમામ વિગતો મેળવી શકે.
વાહનોની અવરજવર, ડ્રાઇવરોની શિફ્ટ અને અન્ય મહત્ત્વનાં પાસાં પર સતત નજર રાખવા માટે AI-આધારિત ઍનૅલિસિસનો ઉપયોગ થવો જોઈએ, જેથી નિયમભંગના કિસ્સાઓ પકડીને સમયસર કડક પગલાં લઈ શકાય.
ઍપ-આધારિત ટ્રાન્સપોર્ટ પ્લૅટફૉર્મ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ઍલ્ગરિધમ્સની ચકાસણી કરવામાં આવે, જેથી મોટી ફ્લીટ કંપનીઓનાં વાહનોની સાથે-સાથે નાના અને સ્વતંત્ર ટૅક્સી-ડ્રાઇવરોને પણ ટ્રિપની ફાળવણીમાં સમાન તક મળી રહે.
કોઈ ચોક્કસ વાહનને કયા આધારે અને કયાં કારણોસર ટ્રિપ ફાળવવામાં આવી રહી છે એની તપાસ આ પ્લૅટફૉર્મ દ્વારા શક્ય બનવી જોઈએ.