13 May, 2026 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શંભુરાજ દેસાઈ
મહારાષ્ટ્રના ટૂરિઝમ મિનિસ્ટર શંભુરાજ દેસાઈએ યુરોપમાં પરિવાર સાથે રજાઓ માણવાનો પ્લાન રદ કરીને સાથી સરકારી અધિકારીઓ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને બિનજરૂરી વિદેશી મુસાફરી ટાળવા વિનંતી કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના ટૂરિઝમ અને અન્ય ખાતાંનો અખત્યાર સંભાળતા શંભુરાજ દેસાઈએ મંગળવારે જાહેરાત કરી કે તેમણે લગભગ ૩ મહિના પહેલાં આયોજિત અનેક યુરોપિયન દેશોની તેમની યાત્રા રદ કરી છે. આ ટૂરમાં લંડન, પૅરિસ અને ઍમ્સ્ટરડૅમ જેવાં પ્રખ્યાત પર્યટન-સ્થળોનો સમાવેશ થતો હતો.
આ તેમનું ફૅમિલી-વેકેશન હતું. જોકે વડા પ્રધાનની અપીલ બાદ તેમણે ટૂર સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લીધો હતો. શંભુરાજ દેસાઈએ ભાર મૂક્યો કે આ નિર્ણય રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપવાનો છે.
વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મંગળવારે જણાવ્યું હતું કે અર્થતંત્રને મજબૂત બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફ્યુઅલના વિવેકપૂર્ણ ઉપયોગ, સોનાની ખરીદી અને વિદેશયાત્રા મુલતવી રાખવાની હાકલના જવાબમાં મહારાષ્ટ્રના વિધાનસભ્યોનો જપાનનો અભ્યાસ-પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જપાનનો આ પ્રવાસ ૨૩ મેથી બીજી જૂન દરમ્યાન યોજાવાનો હતો.
લગભગ એક ડઝન જેટલા વિધાનસભ્યો ટોક્યો અને યોકોહામા તથા વાકાયામા પ્રાંતની મુલાકાત લેવા માટે લગભગ ૧૦ દિવસ જપાન જવાના હતા. યોકોહામા અને વાકાયામા પ્રાંતે મહારાષ્ટ્રના વિધાનસભ્યોના જપાનના અભ્યાસ-પ્રવાસ માટે આમંત્રણ આપ્યું હતું. શ્રેષ્ઠ સંસદીય પ્રથાઓનો અભ્યાસ અને આદાનપ્રદાન કરવા માટેનો એ પ્રવાસ હતો. રાજ્યનું પ્રતિનિધિમંડળ જૅપનીઝ રાષ્ટ્રીય સંસદની પણ મુલાકાત લેવાનું હતું. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે અમે હાલમાં આ પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો છે એવું રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું.