Maharashtra Vidhan Bhavan Bomb Threat: મુંબઈસ્થિત વિધાનભવનની બિલ્ડિંગને બૉમ્બથી ઉડાડવાની ધમકીથી મચ્યો ખળભળાટ

12 March, 2026 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Vidhan Bhavan Bomb Threat: આજે સવારે ૬.૫૭ મિનિટે મુંબઈ કમિશનરના ઈમેઈલ પર ધમકી આવી હતી. જેમાં વિધાનભવનને બૉમ્બ કે મિસાઇલથી ઉડાવી દેવાની વાત કરાઇ હતી.

મહારાષ્ટ્ર વિધાનભવનની ફાઇલ તસવીર

મુંબઈસ્થિત વિધાનભવનને બૉમ્બથી ઉડાડી નાખવાની ધમકી (Maharashtra Vidhan Bhavan Bomb Threat) મળી છે. ઈમેઈલ દ્વારા મળેલી આ ધમકી બાદ હડકંપ મચી જવા પામ્યો છે. હાલમાં વિધાનભવનમાં બજેટ સૅશન ચાલી રહ્યા છે તે વચ્ચે જ આ પ્રકારની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે. 

ગઇકાલે વિધાનભવન પાસે આત્મદાહનો પ્રયાસ કરાયો હતો 

બૉમ્બની ધમકી મળ્યા બાદ તાબડતોબ પોલીસ દ્વારા વિધાનભવનની બિલ્ડિંગની તપાસ હાથ (Maharashtra Vidhan Bhavan Bomb Threat) ધરવામાં આવી છે. વિધાનભવન ઉપરાંત અન્ય સ્થળોએ પણ આ પ્રકારની ધમકીઓ પ્રાપ્ત થઈ છે. આજે સવારે બીએસઈ, વિધાન ભવન અને બોમ્બે હાઈકોર્ટને પણ ધમકીભર્યા ઇમેઇલ્સ મળ્યા હતાં. આ તમામ સ્થળોએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર સંબંધિત પોલીસ મથકો પર કાનૂની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. હજી તો ગઇકાલે જ રાજ્યના વિધાન ભવન પરિસરમાં આત્મદાહનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટના પછી આજે બૉમ્બની ધમકી મળી છે ત્યારે ફરી એકવાર સુરક્ષાની તાતી જરૂર ઊભી થઈ છે. સોલાપુર જિલ્લાના માધા તાલુકામાં આવેલ ટકલી ગામના રહેવાસી ૩૮ વર્ષના દાદાસાહેબ બબન કલસૈત નામના વ્યક્તિએ ઉષા મહેતા ચોક પાસે પોતાને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. કલસૈતે વિરોધ નોંધાવતાં પોતાના શરીર પર કેરોસીન છાંટ્યું હતું. જોકે, પોલીસ કર્મચારીઓની સતર્કતાને કારણે તેનો આ પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો હતો. તેની અટકાયત કરીને ને વધુ પૂછપરછ માટે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો.

શેની માટે કલસૈત ભડક્યો હતો?

Maharashtra Vidhan Bhavan Bomb Threat: તાજેતરમાં લોહાર સમુદાયની જમીન પર કથિત રીતે ગેરકાયદેસર રીતે સ્થાપિત કરવામાં આવેલ ભગવાન વિશ્વકર્મા મૂર્તિને હટાવવાથી કલસૈત નારાજ હતો. થોડા દિવસો પહેલા સ્થાનિક નગર પંચાયત દ્વારા આ પ્રતિમાને દૂર કરવામાં આવી હતી, જેના કારણે વિરોધ શરૂ થયો હતો. આ જ બાબતે ગુસ્સો ઠાલવતાં તેણે આત્મદહનો પ્રયાસ કર્યો હતો.

જરૂરી કાર્યવાહી શરૂ

પ્રાપ્ત માહિતી અનુસાર બૉમ્બની ધમકી મળતા જ સુરક્ષાદળોએ તપાસ શરૂ કરી છે અને બિલ્ડિંગમાંથી સર્વ કર્મચારીઓ અને અધિકારીઓને બહાર કાઢ્યા છે. આ સમગ્ર પ્રકરણ વિશે વાત કરતાં વિધાનપરિષદના અધ્યક્ષ રામ શિંદેએ જણાવ્યું હતું કે, "આજે સવારે ૬.૫૭ મિનિટે મુંબઈ કમિશનરના ઈમેઈલ પર ધમકી આવી હતી. જેમાં વિધાનભવનને બૉમ્બ કે મિસાઇલથી ઉડાવી દેવાની વાત કરાઇ હતી. ધમકી (Maharashtra Vidhan Bhavan Bomb Threat) મળ્યા બાદ બૉમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ)એ વિધાનભવન બિલ્ડિંગની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે"

જોકે, હાલમાં વિધાનભવનમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રોને કારણે આજથી બંને ગૃહોની કાર્યવાહી શરૂ થવાની હતી. સ્ટાફ અને અધિકારીઓએ પણ આ માટે તૈયારીઓ કરી લીધેલ છે. રામ શિંદેએ જણાવ્યું કે, "બૉમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ અમે વિધાનભવનમાં પ્રવેશ કર્યો છે અને ટૂંક જ સમયમાં કામગીરી યથાવત શરૂ થશે."

mumbai news mumbai bomb threat vidhan bhavan maharashtra government maharashtra news maharashtra solapur mumbai police