જનેતાએ જ નોકરીમાં બાધારૂપ બનતા માત્ર ૨૦ દિવસના દીકરાની હત્યા કરી

22 November, 2025 12:06 PM IST  |  Gondia | Gujarati Mid-day Correspondent

બાળક ચોરાઈ ગયું છે એમ કહીને ફરિયાદ દાખલ કરી હતી, પણ બાળકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા બાદ પોલીસે કરેલી ઝીણવટભરી તપાસમાં આખરે તેનો ભાંડો ફૂટ્યો

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના ગોંદિયા તાલુકામાં ચોંકાવનારી ઘટના બહાર આવી છે. નોકરી કરવા માગતી યુવતીએ તેના માત્ર ૨૦ દિવસના દીકરાની હત્યા કરી હતી. પહેલાં તેણે બાળક ચોરાઈ ગયું છે એમ કહીને ફરિયાદ દાખલ કરી હતી, પણ બાળકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા બાદ પોલીસે કરેલી ઝીણવટભરી તપાસમાં આખરે તેનો ભાંડો ફૂટી ગયો હતો.

ગોંદિયા તાલુકાના ડોગોર્લી ખાતે રહેતા ૨૬ વર્ષના રાજેન્દ્ર ફાયેએ ૨૦૨૩માં રિયા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. ૨૦ દિવસ પહેલાં જ રિયાએ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરા વિરાજનો જન્મ થતાં પરિવારમાં આનંદનો માહોલ હતો, પણ રિયાએ અલગ જ પ્લાન બનાવ્યો હતો. ૧૭ નવેમ્બરે બધા સૂઈ ગયા પછી તે વિરાજને લઈને ઘરની બહાર નીકળી હતી અને તેને નદી પરના પુલ નીચે ફેંકી દીધો હતો. ઘરે પાછા આવ્યા બાદ રિયાએ જ પતિને પૂછ્યું કે વિરાજ ક્યાં છે? પછી તેની શોધ ચલાવી હતી અને આખરે બાળક ચોરાયાની પોલીસમાં ફરિયાદ કરી હતી.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે રિયાને બાળક જોઈતું જ નહોતું. એટલે તેની બરાબર તપાસ કરવામાં આવતાં આખરે તેણે ગુનો કબૂલી લીધો હતો અને તેણે જ વિરાજને ફેંકી દીધો હતો એમ જણાવ્યું હતું. 

એક વાર ગર્ભપાત કરાવેલો

તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે રિયાને નોકરી કરવામાં અને કરીઅર બનાવવામાં રસ હતો એટલે તેને બાળકો નહોતાં જોઈતાં. આ પહેલાં તે એક વાર ગર્ભવતી થઈ હતી, પણ તેણે પતિ રાજેન્દ્રને મનાવી લીધો હતો અને ગર્ભપાત કરાવી નાખ્યો હતો. તે બીજી વાર ગર્ભવતી થઈ ત્યારે પણ તેને ગર્ભપાત કરવો હતો, પણ પતિ રાજેન્દ્રએ એ માટે ના પાડી દીધી એટલે નાછૂટકે બાળકને જન્મ આપવો પડ્યો હતો. જોકે એ પછી આ બાળક તેને નોકરી કરવામાં અડચણરૂપ બનશે એવું જણાઈ આવતાં રિયાએ જ તેની હત્યા કરી હતી.

maharashtra news maharashtra Crime News mumbai news mumbai