21 March, 2026 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનેત્રા પવારને રાજીનામું સોંપતાં રૂપાલી ચાકણકર
અશોક ખરાત કેસમાં રૂપાલી ચાકણકરનું નામ સૌથી વધુ ચગ્યું છે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રૂપાલી ચાકણકરને તાત્કાલિક રાજીનામું આપવાનો આદેશ આપ્યા બાદ રૂપાલી ચાકણકરે રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષપદેથી ગઈ કાલે રાતે રાજીનામું આપી દીધું હતું.
અશોક ખરાત કેસમાં રૂપાલી ચાકણકર પર આરોપો લાગ્યા બાદ તેઓ દેવેન્દ્ર ફડણવીસને તેમના વર્ષા નિવાસસ્થાને મળ્યાં હતાં. એ સમયે થયેલી ચર્ચા બાદ મુખ્ય પ્રધાને તેમને તાત્કાલિક રાજીનામું આપવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ રૂપાલી નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં અધ્યક્ષ સુનેત્રા પવારને મળ્યાં હતાં. ત્યાં તેમણે સુનેત્રા પવાર સમક્ષ રાજીનામું આપ્યું હતું. તેઓ NCP મહિલા પાંખના પ્રદેશ પ્રમુખપદ પરથી પણ રાજીનામું આપશે એવી અટકળો ચાલી રહી છે.
NCPનાં નેતા અને મહારાષ્ટ્ર સ્ટેટ વુમન રાઇટ કમિશનનાં વડા રૂપાલી ચાકણકર સ્ટેટ મિનિસ્ટરનો દરજ્જો ધરાવે છે. સેંકડો મહિલાઓના જાતીય શોષણના આરોપી ભોંદુબાબા અશોક ખરાત સાથે તેમના ફોટો અને વિડિયો વાઇરલ થયા હતા. રૂપાલી ચાકણકર અશોક ખરાત દ્વારા સ્થાપિત ટ્રસ્ટનાં ડિરેક્ટર છે. ગયા વર્ષે એક મહિલાના જાતીય શોષણ સાથે સંકળાયેલા કેસની તપાસ દરમ્યાન એવું બહાર આવ્યું હતું કે રૂપાલી ચાકણકરે પીડિતાને બદલે અશોક ખરાતને મદદ કરી હતી. ત્યાર બાદ તેમના પર ટીકાઓનો વરસાદ થયો હતો. વિવિધ સ્તરેથી તેમના રાજીનામાની માગ થઈ હતી.
અશોક ખરાત પ્રકરણમાં ફસાયેલાં અને એથી રાજીનામું પણ આપવું પડ્યું એવી પરિસ્થિતિમાં પહોંચી ગયેલાં રૂપાલી ચાકણકર સામે જે આક્ષોપો થયા હતા એના મૂળમાં રહેલો એક વિડિયો બહુ જ વાઇરલ થયો છે. એક વિડિયોમાં રૂપાલી ચાકણકર અશોક ખરાતના પગ ધોતાં દેખાય છે. વળી એક કાર્યક્રમમાં તેઓ કહે છે કે ‘મને જન્મ દેનારી મારી માતા, એથી તે મારી ગુરુ. મને ચાલતાં-બોલતાં શીખવનાર પિતા મારા ગુરુ, પણ હું કોણ છું? મારો જન્મ શા માટે થયો છે? મારે આ જન્મમાં શું કરવાનું છે એ કહેનારા ગુરુ તમે. આજે હું રૂપાલી ચાકણકર તરીકે જે કંઈ પણ છું એ તેમ જ મારું અસ્તિત્વ તમારા લીધે જ છે.’
શિવસેના (UBT)નાં નેતા સુષ્મા અંધારેએ આ પ્રકરણમાં કહ્યું હતું કે ‘જો રૂપાલી ચાકણકરનું રાજીનામું લેવામાં આવી રહ્યું છે તો અમે એનું સ્વાગત કરીએ છીએ. રાજ્યના મહિલા નેતૃત્વ તરીકે સુનેત્રા પવાર આ નિર્ણય લે એવી અપેક્ષા હતી, પરંતુ અફસોસ છે કે આ નિર્ણય તેમના દ્વારા લેવામાં આવ્યો નથી. રૂપાલી ચાકણકર આ ગુનામાં સામેલ હોય તો તેમની સામે કેસ નોંધવામાં આવે અને તેમની નાર્કો ટેસ્ટ કરવામાં આવે.’