લગ્ન નથી થતાં એટલે અનોખા આંદોલન પર ઊતર્યો યુવાન

11 September, 2026 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રામીણ યુવાનોના આ ગંભીર પ્રશ્ને મોહોળના યુવાને સોલાપુર જિલ્લા પરિષદની બહાર અનોખું આંદોલન શરૂ કર્યું છે

એક યુવાન લગ્ન માટે સરકારને ઑનલાઇન અને ઑફલાઇન પોર્ટલ ચાલુ કરવા અને લગ્ન માટે એક લાખ રૂપિયા આપે એવી માગણીઓ સાથે આંદોલન ચલાવી રહ્યો છે.

હાલમાં યુવાનોનાં લગ્નનો પ્રશ્ન ગંભીર બન્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આ તેમનો વ્યક્તિગત નહીં પણ સામાજિક પ્રશ્ન હોવાની ચર્ચા થઈ રહી છે. મહારાષ્ટ્રનાં અનેક ગામોમાં વંશના દીવા તરીકે દીકરો જ જોઈએ છે, દીકરી નથી જોઈતી એવી માનસિકતાને કારણે બાળકીઓની ગર્ભમાં જ ભ્રૂણહત્યા કરી દેવામાં આવે છે એથી છોકરીઓની સંખ્યા ઘટી રહી છે. એ ઉપરાંત ભણેલી નોકરી કરતી છોકરીઓ દ્વારા મુરતિયા પણ એવા જ મળે એવી અપેક્ષા રખાતી હોવાથી અનેક યુવાનો જે ઓછું ભણેલા છે કે પછી સરકારી નોકરી ન મળતાં નાનું-મોટું કામકાજ કરે છે તેમનાં લગ્ન નથી થઈ રહ્યાં. એથી એક યુવાન લગ્ન માટે સરકારને ઑનલાઇન અને ઑફલાઇન પોર્ટલ ચાલુ કરવા અને લગ્ન માટે એક લાખ રૂપિયા આપે એવી માગણીઓ સાથે આંદોલન ચલાવી  રહ્યો છે.
ગ્રામીણ યુવાનોના આ ગંભીર પ્રશ્ને મોહોળના યુવાને સોલાપુર જિલ્લા પરિષદની બહાર અનોખું આંદોલન શરૂ કર્યું છે. તેણે યુવા સર્વધર્મીય વૈવાહિક સરકારી કેન્દ્ર શરૂ કરવાની માગણી કરી છે. મોહોળના કુરલ ગામનો રહેવાસી કિસનદેવ નનવરે આંદોલન પર બેઠો છે. તેના ફોટોમાં દેખાય છે કે તેણે વરરાજા પહેરે અેવો મોતીનો મોડ અને ફેંટો પહેર્યા છે. ઉપર ડિજિટલ બોર્ડ લગાડ્યું છે જેમાં લખેલું છે કે સમાજ કલ્યાણ વિભાગના માધ્યમથી આખા રાજ્યમાં ઑફલાઇન-ઑનલાઇન લગ્નની નોંધણી ચાલુ કરવા માટે કેન્દ્રો ચાલુ કરવામાં આવે, એ ઉપરાંત લગ્ન ઇચ્છુક પાટીદાર યુવાનોને લગ્ન કરવા માટે અેક લાખ રૂપિયા પણ આપવામાં આવે.

mumbai news mumbai maharashtra news maharashtra