05 February, 2025 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (MahaRERA)ના ચૅરમૅન મનોજ સૌનિકે સબર્બન કલેક્ટર રાજેન્દ્ર શ્રીરસાગરને લેટર લખીને છ બિલ્ડરો પાસેથી ૨૪૯ કરોડ રૂપિયા જેમ બને એમ જલદી વસૂલ કરવા કહ્યું છે. આ છ બિલ્ડરોએ ફ્લૅટ ખરીદનારાઓને જગ્યા ન આપી હોવાથી કસ્ટમરોએ MahaRERAને ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદના અનુસંધાનમાં MahaRERAએ ફ્લૅટ-બાયર્સને વ્યાજ અને પેનલ્ટી સાથે પૈસા પાછા આપવાનો આદેશ આપ્યો હતો. જોકે એક પણ બિલ્ડરે ૨૦૦ જેટલા ફ્લૅટ-પર્ચેઝરને એક પણ પૈસો પાછો ન આપ્યો હોવાથી MahaRERAએ રિકવરી વૉરન્ટ ઇશ્યુ કરીને કલેક્ટરને આ પૈસા બિલ્ડર પાસેથી વસૂલ કરવા કહ્યું હતું. આમ છતાં એમાં પણ વિલંબ થતો હોવાથી MahaRERAના ચૅરમૅને લેટર લખીને સબર્બન કલેક્ટરને આ બાબતને ગંભીરતાથી લઈને પૈસા વસૂલ કરવા કહ્યું છે.
MahaRERAએ કુલ ૩૪૪ કરોડ રૂપિયાના વૉરન્ટ ઇશ્યુ કર્યાં છે. એમાંથી ૭૨ ટકા રકમ હજી વસૂલ કરવાની બાકી છે. સામાન્ય રીતે આ વૉરન્ટ કલેક્ટરની ઑફિસ તહેસીલદારને મોકલે છે અને તહેસીલદાર આ વૉરન્ટ તલાટીની ઑફિસમાં રિકવરી માટે મોકલી આપે છે. આ રીતે સમય કાઢવામાં આવતો હોવાથી એનો ફાયદો બિલ્ડરો લેતા હોવાનું મહારાષ્ટ્ર સોસાયટીઝ વેલ્ફેર અસોસિએશનનું કહેવું છે.