વિધાન પરિષદ માટે મહાયુતિમાં બેઠકની માથાકૂટ ન હોવાનો દાવો, બે દિવસમાં થશે નિર્ણય

28 May, 2026 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં થયેલી બેઠક બાદ બેઠકોની વહેંચણી વિશે ફોડ પાડ્યો

દેવેન્દ્ર ફડણવીસ

૧૮ જૂને મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની થનારી ચૂંટણી માટે મહાયુતિમાં બેઠકોની વહેંચણી બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે મહાયુતિમાં ફક્ત બેથી ૩ બેઠકો માટે સાથી પક્ષો સાથે વાટાઘાટો ચાલી રહી છે અને ટૂંક સમયમાં બેઠકોની વહેંચણીની ફૉર્મ્યુલા નક્કી થઈ જશે. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ૩૦ મિનિટની બંધબારણે થયેલી બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં દેવેન્દ્ર ફડણવીસે આ માહિતી આપી હતી.

દેવેન્દ્ર ફડણવીસ સાથે દિલ્હી ગયેલા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ બેઠકોની વહેંચણી વિશે વાત કરતાં કહ્યું હતું કે વિધાન પરિષદની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી વિશે આગામી બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે.

૧૭ બેઠકો પર થનારી વિધાન પરિષદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાળે ૧૨ બેઠક, શિવસેનાના ભાગે ૩ બેઠક અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના હાથમાં બે બેઠક આવે એવી ચર્ચા છે. જોકે આ વિશે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

NCPએ ૩ તો શિવસેનાએ ૬ બેઠકોની માગણી કરી 

દિલ્હીમાં અમિત શાહ સાથે થયેલી બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે હાજર રહેલાં સુનેત્રા પવારે વિધાન પરિષદની ચૂંટણી માટે ૩ બેઠકોની માગણી કરી હતી. અહેવાલો મુજબ શિવેસનાએ પણ ૬ બેઠક પર ચૂંટણી લડવાનો આગ્રહ રાખ્યો છે. સુનેત્રા પવારે પુણે, પરભણી-હિંગોલી અને રત્નાગિરિ-રાયગડ-સિંધુદુર્ગ આ ૩ બેઠકો આપવાની માગણી અમિત શાહ સમક્ષ કરી હતી. આ ઉપરાંત બેઠક દરમ્યાન ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અચાનક થયેલા અવસાન બાદ ખાલી થયેલા નાણાપ્રધાનના પદ વિશે પણ ચર્ચા થઈ હતી.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra devendra fadnavis maha yuti nationalist congress party