CBI અધિકારી બનીને રિટાયર્ડ બૅન્કર સાથે ૩૨ લાખ રૂપિયાની છેતરપિંડી

06 June, 2025 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ સાઇબર પોલીસે આપેલી માહિતી મુજબ મહિલાને પ્રખ્યાત ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડરના નામે કૉલ આવ્યો હતો. એમાં તેમના નામે કોઈ નંબર રજિસ્ટર્ડ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

માહિમમાં રહેતાં ૭૫ વર્ષનાં રિટાયર્ડ બૅન્કર મહિલા સાથે વિડિયો-કૉલ દ્વારા ૩૨ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. વિચિત્ર લાગતા આ બનાવમાં આરોપીઓએ તેઓ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના તેમ જ ટેલિકૉમ કંપનીના અધિકારી હોવાનું જણાવીને પૈસા પડાવ્યા હોવાનું પોલીસ જણાવ્યું હતું.

સેન્ટ્રલ સાઇબર પોલીસે આપેલી માહિતી મુજબ મહિલાને પ્રખ્યાત ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડરના નામે કૉલ આવ્યો હતો. એમાં તેમના નામે કોઈ નંબર રજિસ્ટર્ડ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે મહિલાએ એ નંબર પોતાનો ન હોવાનું જણાવ્યું ત્યારે પોલીસ તેની સાથે આ બાબતે વાત કરશે એમ કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ બીજા આરોપીએ પોતાને CBI ઑફિસર અનિલ શર્મા તરીકે ઓળખાવીને વિડિયો-કૉલ કર્યો હતો. એમાં મહિલાને તેનું દિલ્હીનું બૅન્ક-અકાઉન્ટ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકના મની-લૉન્ડરિંગ કેસ સાથે સંકળાયેલું હોવાનું જણાવાયું હતું. એને સાબિત કરવા આરોપી દ્વારા નકલી પાસબુક અને ડૉક્યુમેન્ટ્સ પણ બતાવવામાં આવ્યાં હતાં તેમ જ આ તપાસ કૉન્ફિડેન્શિયલ હોવાથી કોઈને આ વિશે જણાવે નહીં એવી સૂચના આપી હતી.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર સાથે કો-ઑર્ડિનેશનનું કહીને મહિલાની ફિક્સ્ડ ડિપોઝિટ તોડાવી સેવિંગ્સ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. એને પગલે મહિલાએ ફેબ્રુઆરીમાં ૩૨ લાખ રૂપિયા આરોપીઓને ટ્રાન્સફર કર્યા હતા. સુપ્રીમ કોર્ટના નકલી ડૉક્યુમેન્ટ્સ બતાવીને તેના પૈસા પાછા મળશે એવી ખાતરી આપવામાં આવી હતી. મહિલાએ જ્યારે આરોપીઓનું બૅન્ક-અકાઉન્ટ ચેક કરાવ્યું ત્યારે ખબર પડી કે એમાં માત્ર ૧૧ જ રૂપિયા છે. ત્યાર બાદ આખો મામલો સમજાતાં મહિલાએ પોલીસની મદદ લીધી હતી.

cyber crime crime news mumbai crime news mumbai police news central bureau of investigation mumbai mumbai news mahim supreme court reserve bank of india