04 September, 2025 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મલાડ-વેસ્ટના અસ્મિતા કૉમ્પ્લેક્સમાં રહેતા ૩૧ વર્ષના વિકાસ ગુપ્તા નામના કપડાના વેપારીને સોમવારે સાંજે બાંદરા ટર્મિનસ પર બે શખ્સે લૂંટી લીધો હતો. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ની ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે સવારે બન્ને આરોપીની ધરપકડ કરી હતી. વિકાસ તેની કાંદિવલીમાં આવેલી કપડાની દુકાન માટે માલની ખરીદી કરવા માટે સુરત જઈ રહ્યો હતો. એ માટે તેણે પોતાની પાસે ૧૦,૩૦,૦૦૦ રૂપિયાની રોકડ રાખી હતી. દરમ્યાન બાંદરા રેલવે-સ્ટેશનની રેલવે-કૅન્ટીન નજીક મળેલા બે યુવાનોએ પોતાની ઓળખ પોલીસ-અધિકારી તરીકે આપીને વિકાસની બૅગ તપાસી હતી. બેગમાં તેની પાસે રહેલી રોકડ રકમ બન્નેS તફડાવી લીધી હતી.
વિકાસે આ ઘટનાની ફરિયાદ બાંદરા GRPમાં નોંધાવી હતી. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીની શોધ શરૂ કરી દીધી હતી.
GRP ક્રાઇમ બ્રાન્ચના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (ACP) રાજેન્દ્ર રણમાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે બાંદરા ટર્મિનસ ખાતે મલાડના એક વેપારી પાસેથી બે અજાણ્યા માણસોએ પોતે પોલીસ હોવાનો ઢોંગ કરીને આશરે ૧૦ લાખ રૂપિયાની રોકડ પડાવી લીધી હતી. આરોપીઓએ સુરક્ષાનાં કારણોસર બૅગ ચેક કરી અને રોકડ રકમ લઈ લીધી હતી, એટલું જ નહીં, વેપારીને ધમકાવવામાં પણ આવ્યો હતો. એ ડરથી વેપારી સોમવારે રાતે ગભરાઈ જતાં ફરિયાદ ન કરતાં ઘરે ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ તેણે પરિવારના સભ્યો સાથે વાત કરીને મંગળવારે ઘટનાની ફરિયાદ બાંદરા GRPમાં નોંધાવી હતી. આ મામલે અમારી ટીમે ઘટનાસ્થળનાં CCTV તપાસી બન્ને આરોપીની ઓળખ કરીને તેમની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસ અથવા RPFનું કોઈ ઇન્વૉલ્વમેન્ટ નથી એ ચકાસવા માટે અમે વધુ તપાસ કરી રહ્યા છે.’