19 June, 2026 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટ
નૉન-ગ્રાન્ટેડ સ્કૂલો અને તેમના ટીચર્સે ચૂંટણીપંચ દ્વારા અપાયેલી શો કૉઝ નોટિસ વિરુદ્ધ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ચૂંટણીપંચે આ શિક્ષકોને મતદારયાદીના ત્રીજા તબક્કાની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી માટે બૂથ લેવલ ઑફિસર (BLO) તરીકેની ડ્યુટી પ્રત્યે ઉદાસીનતા દાખવવા બદલ આ નોટિસ ફટકારી છે. મલાડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હાઈ કોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી છે.
અરજીમાં દલીલ કરવામાં આવી છે કે બૂથ લેવલ ઑફિસરની ડ્યુટી માત્ર સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓ પૂરતી જ મર્યાદિત છે. આ મામલે ચૂંટણીપંચે કોર્ટને ખાતરી આપી છે કે આગામી સુનાવણી સુધી શિક્ષકો સામે કોઈ કડક પગલાં લેવામાં આવશે નહીં.
અરજીમાં પ્રાઇવેટ અને નૉન-ગ્રાન્ટેડ સ્કૂલોના સ્ટાફને બૂથ લેવલ ઑફિસરની ડ્યુટી પર લગાવતા રોકવાની માગણી કરવામાં આવી છે. આ સાથે જ સત્તાધિકારીઓને આ સ્કૂલોના સ્ટાફને ચૂંટણીલક્ષી કામગીરીમાં નિયુક્ત કરવાનો અધિકાર આપતી જોગવાઈને ગેરબંધારણીય જાહેર કરવાની પણ અપીલ કરાઈ છે. આ ઉપરાંત ડ્યુટીના સંદર્ભમાં અપાયેલી શો કૉઝ નોટિસને રદ કરવાની પણ માગણી પણ કરવામાં આવી છે. ઍક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર ઘુગેની બેન્ચે આ અરજી પર આજે ૧૯ જૂને સુનાવણી રાખી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ૧૧ બેઠકો માટે ગુરુવારે સાંજે મતદાન પૂરું થયું હતું. એમાં સરેરાશ ૯૯.૦૨ ટકા મતદાન થયું છે. મતગણતરી બાવીસમી જૂને યોજાશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કુલ ૭૦૪૭ મતદારોમાંથી ૬૯૭૮ મતદારોએ ગુરુવારે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. એમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનો, મ્યુનિસિપલ કાઉન્સિલો અને જિલ્લા-પરિષદોના સભ્યોનો સમાવેશ થાય છે. મૂળ ૧૭ બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં એક પેટાચૂંટણીનો પણ સમાવેશ થાય છે. જોકે મહાયુતિ ગઠબંધનના ઉમેદવારોએ છ બેઠક પર બિનહરીફ વિજય મેળવ્યો હોવાથી ફક્ત ૧૧ બેઠક પર મતદાન જરૂરી હતું.
મહારાષ્ટ્ર પોલીસ-ફૉર્સના મૉડર્નાઇઝેશનની ૭૩૩.૨૮ કરોડ રૂપિયાની યોજનાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. મુખ્ય પ્રધાને યોજના મંજૂર કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે આ યોજનાને પગલે મહારાષ્ટ્રમાં દરિયાકિનારાની સુરક્ષા, ડ્રગ્સવિરોધી ઝુંબેશ, સાઇબર સુરક્ષા વધુ મજબૂત થશે તેમ જ
પોલીસ-ફૉર્સને મૉડર્ન શસ્ત્રો અને વાહનો પણ મળશે. આ યોજના માટે ૬૦ ટકા ભંડોળ કેન્દ્ર સરકાર આપશે અને બાકીનું ૪૦ ટકા ભંડોળ મહારાષ્ટ્ર સરકાર પૂરું પાડશે.