મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર ફ્રેન્ડ બનેલા યુવકે ખંખેરી નાખી યુવતીને

28 March, 2025 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોંઘો મોબાઇલ, બાઇક અને કાર લેવડાવ્યાં એટલું જ નહીં, દોઢ લાખ રૂપિયા રોકડા પણ પડાવ્યા : ૧૫ દિવસમાં પાંચ લાખ રૂપિયાનો ફટકો

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ભાંડુપ-વેસ્ટના પ્રતાપનગરમાં રહેતી ૨૯ વર્ષની યુવતી સાથે મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર મિત્રતા કરીને, લગ્નની લાલચ આપીને અને વિવિધ બહાનાં કરીને કાર, બાઇક, મોંઘો મોબાઇલ અને દોઢ લાખ રૂપિયા પડાવી લેનારા નબીલ ખાન સામે ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે ફરિયાદ નોંધાઈ હતી. નબીલે યુવતી સાથે મિત્રતા કરીને પોતાનો આક્રિફામાં વ્યવસાય હોવાનું કહ્યું હતું અને પોતાનાં બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ થયાં હોવાની જાણકારી આપીને પહેલી મુલાકાતમાં જ પૈસા પડાવવાની શરૂઆત કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. નબીલે ૨૫ માર્ચે યુવતીને ફોન કરીને પોલીસે તેની ધરપકડ કરી હોવાની માહિતી આપીને વધુ પૈસાની માગણી કરી હતી. એ સમયે યુવતીને શંકા આવતાં તેણે ડી. એન. નગર પોલીસ-સ્ટેશનની મુલાકાત લેતાં છેતરપિંડીનો ખુલાસો થયો હતો.

શું હતો ઘટનાક્રમ?

મૅટ્રિમોનિયલ વેબસાઇટ પરથી મિત્રતા બાદ યુવતીએ આશરે ૧૫ દિવસમાં આરોપી પર પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરી દીધો હતો એમ જણાવતાં ભાંડુપ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૨ માર્ચે યુવતીને નબીલે મળવાના બહાને બોલાવીને પહેલાં તેને હોટેલમાં જમાડી હતી. ત્યાર બાદ પોતાના પૈસા આફ્રિકામાં બ્લૉક થયા હોવાનું કહી થોડા દિવસમાં પૈસા પાછા આપશે એવું વચન આપીને પહેલા જ દિવસે યુવતીના પૈસે બાઇક ખરીદી હતી. ત્યાર બાદ બીજા દિવસે એ જ બાઇક પર યુવતીને નબીલ અલીબાગ ફરવા લઈ ગયો હતો. ત્યાં એક મોબાઇલ શૉપમાં લઈ જઈને આશરે દોઢ લાખ રૂપિયાનો મોબાઇલ ખરીદ્યો હતો. એનું પેમેન્ટ યુવતીએ પોતાના ક્રેડિટ કાર્ડથી કર્યું હતું. ત્યાર બાદ નબીલે ૧૫ માર્ચે યુવતીને કહ્યું કે સ્કૂટર પર તેને મજા ન આવતી હોવાથી કાર લેવી છે. એમ કહીને તેણે દોઢ લાખ રૂપિયામાં સેકન્ડહૅન્ડ કાર યુવતીના પૈસા ખરીદી હતી. બે દિવસ પછી યુવતી પાસેથી બહાનું કરીને ચેઇન પણ લીધી હતી. એમ આશરે ૧૫ દિવસમાં યુવતી પાસેથી પાંચ લાખ રૂપિયાની માલમતા પડાવી લીધી હતી. ૨૫ માર્ચે સવારે નબીલે યુવતીને ફોન કરીને આફ્રિકાના કેસમાં ડી. એન. નગર પોલીસે તેની ધરપકડ કરી હોવાની માહિતી આપી હતી. એ સમયે તેણે વધુ ૭૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. તેના પર શંકા આવતાં યુવતી ડી. એન. નગર પોલીસ-સ્ટેશન પહોંચી હતી જ્યાં હાજર અધિકારીઓને નબીલ વિશે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેણે અંધેરીમાં રહેતી એક યુવતી પાસેથી આવાં જ બહાનાં કરીને પૈસા પડાવ્યા હતા અને એ જ કેસમાં તેની પોલીસે ધરપકડ કરી હોવાનો ખુલાસો થયો હતો. અંતે પોતાની સાથે થયેલી છેતરામણી પ્રકાશમાં આવતાં યુવતીએ પોતાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી.’

cyber crime mumbai crime news mumbai crime news mumbai police mumbai news news