01 July, 2025 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્ય સરકારે પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)થી બનતી ગણેશજીની મોટી મૂર્તિઓના વિસર્જનના મુદ્દા પર નીતિગત નિર્ણય લેવા માટે ગઈ કાલે હાઈ કોર્ટ પાસેથી વધુ ત્રણ અઠવાડિયાંનો સમય માગ્યો હતો, જેની આગામી સુનાવણી ૨૩ જુલાઈએ રાખવામાં આવી છે. જોકે ગણેશોત્સવ ઑગસ્ટ મહિનાના અંતમાં હોવાથી મોટાં મંડળોને તૈયારીમાં સમય લાગતો હોવાથી બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને તાત્કાલિક મોટી અને જાહેર મૂર્તિઓના વિસર્જન વિશેની નીતિ કોર્ટમાં રજૂ કરવા માટેની વિનંતી કરી છે. માઘી ગણેશોત્સવ સમયે મોટી અને જાહેર મૂર્તિઓના વિસર્જન મુદ્દે કાંદિવલી, મલાડ અને ગોરેગામમાં મોટા વિવાદ થયા હતા. જો રાજય સરકાર દ્વારા ટૂંક સમયમાં નીતિ રજૂ કરવામાં નહીં આવે તો ગણેશ-મંડળો મોટી મુસીબતમાં મુકાય એવી શક્યતા છે.
નાની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી શકાય છે. જોકે અગાઉની ૯ જૂનની સુનાવણી દરમ્યાન રાજ્ય સરકાર વતી મોટી મૂર્તિઓના વિસર્જન વિશે ઉકેલ શોધવા માટે સમય આપવા માટે ઍડ્વોકેટ જનરલ બીરેન્દ્ર સરાફે કોર્ટને વિનંતી કરી હતી. ઍડ્વોકેટ જનરલે એ પણ સ્પષ્ટતા કરી હતી કે સરકાર લાંબા ગાળાના ઉકેલ શોધી રહી છે અને જો જાહેર મંડળો કાયમી ધોરણે એક જ મૂર્તિનો ઉપયોગ કરે છે તો વિસર્જનનો મુદ્દો ઊભો થશે નહીં. કોર્ટે સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ની સમિતિની ભલામણોને ધ્યાનમાં રાખીને જાહેર ગણેશ-મંડળોના મૂર્તિ-વિસર્જનના મુદ્દા પર નીતિગત નિર્ણય લેવા માટે સરકારને ત્રણ અઠવાડિયાંનો સમય આપ્યો હતો, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જાહેર ગણેશ-મંડળોમાં મૂર્તિ-વિસર્જનના મુદ્દા પર સરકાર નીતિગત નિર્ણય લેશે. આ મુદ્દે ગઈ કાલે હાઈ કોર્ટમાં સુનાવણી રાખવામાં આવી હતી. એ સમયે ઍડ્વોકેટ જનરલ બીરેન્દ્ર સરાફે કોર્ટને મોટી મૂર્તિઓના વિસર્જન વિશે નીતિ ઘડવા માટે વધુ સમય આપવા વિનંતી કરી હતી જેની સામે કોર્ટે સરકારને વહેલી તકે નીતિ રજૂ કરવાનો આદેશ આપીને આ મામલાની સુનાવણી ૨૩ જુલાઈએ રાખી હતી.
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહિબાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં આશરે ૧૨,૦૦૦ જાહેર ગણેશ-મંડળો છે. દર વર્ષે મુંબઈનાં આશરે વીસ ટકા જાહેર મંડળો ગણેશચતુર્થીના એક મહિના પહેલાં ગણેશજીની મૂર્તિને મંડપમાં લાવે છે. ત્યાર બાદ મંડળો દ્વારા આંતરિક સુશોભનનું કામ શરૂ કરવામાં આવે છે. આ વર્ષે ગણેશચતુર્થી ૨૭ ઑગસ્ટે છે. એથી જાહેર ગણેશ-મંડળોના ગણપતિનો આગમન-સમારોહ આ વર્ષે જુલાઈના બીજા પખવાડિયાથી શરૂ થશે. એ પહેલાં જો PoP મૂર્તિઓના વિસર્જન માટે સ્પષ્ટ માર્ગદર્શિકા-વ્યવસ્થા જાહેર કરવામાં નહીં આવે તો મંડળોની ચિંતા વધશે. વિસર્જન વિશે કોઈક નીતિના અભાવે મુંબઈનાં ઉપનગરોમાં આવેલાં માઘી ગણેશ મંડળોની કેટલીક ગણેશમૂર્તિઓનું હજી સુધી વિસર્જન કરવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં મુખ્ય તહેવાર પહેલાં વિસર્જન માટેની માર્ગદર્શિકા જાહેર કરવી જરૂરી છે. ગણેશોત્સવ માટે બાકી રહેલા ટૂંકા સમયગાળાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માનનીય હાઈ કોર્ટને તાત્કાલિક સુનાવણી કરવા વિનંતી કરવી જોઈએ એવી અમારી માગણી છે. એ વિશેનો પત્ર લખીને અમે મુખ્ય પ્રધાન પાસે માગણી કરી છે.’
કોરોના અપડેટ
મુંબઈમાં ગઈ કાલે નવા બે કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૧૩ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૯૮