ગરીબ ખેડૂતો માટેના ફ્લૅટ પચાવી પાડનારા મિનિસ્ટરે આખરે રાજીનામું આપવું પડ્યું

18 December, 2025 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૅજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદાને નાશિકની ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ યોગ્ય ઠેરવ્યો એને પગલે NCPના માણિકરાવ કોકાટેએ આખરે કમને પદ છોડ્યું, હવે અજિત પવાર આ ખાતું સંભાળશે

માણિકરાવ કોકાટે

રાજ્ય સરકાર દ્વારા ૧૯૮૯થી ૧૯૯૨ સુધી ગરીબ ખેડૂતોને સ્કીમ હેઠળ અલૉટ કરાયેલા ફ્લૅટ મેળવવા હાલના પ્રધાનમંડળના સભ્ય માણિકરાવ કોકાટેએ અને તેમના ભાઈએ ખોટાં ઍફિડેવિટ દાખલ કરીને નાશિકમાં ફ્લૅટ મેળવ્યા હતા. એ કેસમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. વર્ષો સુધી ચાલેલા એ કેસમાં માણિકરાવ કોકાટેને નાશિકની ડિસ્ટ્રિક્ટ કોર્ટે મંગળવારે દોષી ઠેરવ્યા છે અને બે વર્ષની કેદની સજા ફટકારી છે. જોકે કોર્ટે તેમના એ ફ્લૅટ સીઝ કરવાનું તેમના કાર્યક્ષેત્રમાં ન હોવાનું જણાવ્યું હતું. એથી ગઈ કાલે આખરે માણિકરાવ કોકાટેએ તેમના સ્પોર્ટ્‌સ અને યુથ વેલ્ફેર તથા અન્ય મંત્રાલયોના પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની પાસેથી એ ખાતું કાઢી લેવાની ભલામણ રાજ્યપાલને કરી હતી. હવે એ સ્પોર્ટ્‌સ ડિપાર્ટમેન્ટની જવાબદારી અજિત પવારને જ સોંપવામાં આવશે એવા અહેવાલ વહેતા થયા હતા. પોલીસ દ્વારા ગમે ત્યારે તેમની ધરપકડ થવાની શક્યતાઓ મોડી રાત સુધી દર્શાવાઈ હતી.

શું હતો કેસ?
૧૯૮૯થી ૧૯૯૨ દરમ્યાન મહારાષ્ટ્ર સરકારે ગરીબ ખેડૂતો જેમની આવક વર્ષે ૩૦,૦૦૦ રૂપિયા કરતાં વધુ ન હોય તેમના માટે ફ્લૅટનું અલૉટમેન્ટ કર્યું હતું. એ સ્કીમનો લાભ મેળવવા માણિકરાવ કોકાટે અને તેમના ભાઈ વિજય કોકાટેએ ખોટાં ઍફિડેવિટ બનાવીને તેમની વાર્ષિક આવક ૩૦,૦૦૦ રૂપિયા કરતાં વધુ નથી એમ દર્શાવ્યું હતું, જેના આધારે એ સ્કીમ અંતર્ગત તેમને ૧૯૯૪માં નાશિકના વીસેમાળા વિસ્તારમાં ફ્લૅટ આપવામાં આવ્યા હતા. 

તેમણે કરેલી એ છેતરપિંડી સામે ફરિયાદ થઈ હતી અને ત્યાર બાદ વર્ષો સુધી કેસ ચાલ્યો હતો. મૅજિસ્ટ્રેટ કોર્ટે તેમને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. જોકે એ સામે તેઓ સેશન્સ કોર્ટમાં અપીલમાં ગયા હતા. સેશન્સ કોર્ટના જસ્ટિસ પી. એમ. બદરે મંગળવારે ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘તેમની સામે રજૂ કરવામાં આવેલા પુરાવા જેમાં કોપરગાવ સહકારી સાખર કારખાના, તેમણે વેચેલી શેરડીઓ અને તેમના ભાઈએ ખેતી માટે લીધેલી લોન અને એની કરાયેલી ચુકવણીઓ જોતાં તેઓ ગરીબ ખેડૂત નહોતા પણ ખમતીધર ખેડૂત હોવાનું જણાઈ આવે છે. એથી તેમણે છેતરપિંડી કરીને રાજ્ય સરકારની સ્કીમનો ગેરલાભ લીધો હોવાનું સાબિત થતાં મૅજિસ્ટ્રેટ કોર્ટે આપેલો ચુકાદો યોગ્ય છે જે કાયમ રાખવામાં આવે છે.’ 

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra nationalist congress party ajit pawar