22 October, 2026 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
બીડમાં દશેરાના મેળાવડા દરમ્યાન મરાઠા અનામત માટે આંદોલન ચલાવનારા મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર આરોપો કર્યા એનો જવાબ એકનાથ શિંદેએ આપ્યો છે. મનોજ જરાંગેએ દાવો કર્યો હતો કે એકનાથ શિંદેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓને એવું કહ્યું છે કે બે વર્ષ પહેલાં થયેલા મરાઠા આંદોલન દરમ્યાન તેમણે મને ૫૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા અને આ બાબતે તેમણે સ્પષ્ટતા આપવી જોઈએ. આ આક્ષેપનો જવાબ આપતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે મનોજ જરાંગે જે કહી રહ્યા છે એના પુરાવા આપે, જો પુરાવા આપશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
મનોજ જરાંગેએ ફેંકેલા પડકાર મુજબ એકનાથ શિંદે દશેરાની રૅલી દરમ્યાન તો કંઈ બોલ્યા નહોતા, પરંતુ ગઈ કાલે તેમણે પત્રકાર પરિષદ યોજીને આ મુદ્દે પોતાની બાજુ માંડી હતી. તેમણે કહ્યું હતું કે મેં કોઈને પણ ૫૦૦ કરોડ રૂપિયા આપ્યા નથી કે નથી કોઈની પાસેથી લીધા, જરાંગે પાટીલે થોડી તપાસ અને ખાતરી કર્યા પછી બોલવું જોઈએ. દશેરાની રૅલી દરમ્યાન શિવસેનાના નેતા રામદાસ કદમે પણ મનોજ જરાંગે પર નિશાન સાધતાં એકનાથ શિંદે વિશે એલફેલ ન બોલવાની ચેતવણી આપી હતી.
એકનાથ શિંદે પછી મનોજ જરાંગેએ પણ પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે ‘મેં તો ફક્ત એક સરળ પ્રશ્નનો જવાબ માગ્યો હતો તમારી પાસેથી, એમાં પણ તમે ચીડાઈ જાઓ છો. તમે મને ૫૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા કે નહીં એના સવાલના જવાબમાં ફક્ત હા કે ના એટલું જ કહેવાનું છે. હું વાટ જોઈ રહ્યો છું કે શિંદેસાહેબ શું કહે છે. થોડા દિવસમાં હું પુરાવા આપીશ.’