02 September, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે
મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે પોતાનું આમરણ ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની સ્પષ્ટ જાહેરાત કરી છે. આંદોલનના ચોથા દિવસે સરકાર તરફથી સંવાદ સાધવા પહોંચેલા જાલનાના જિલ્લા-કલેક્ટરના પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નહોતો.
૨૯ ઑગસ્ટથી અન્નજળનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠેલા મનોજ જરાંગેની મધ્યસ્થી માટે સરકારે જાલનાના વહીવટી અધિકારીઓને મોકલ્યા હતા. ગઈ કાલે મોડી રાત્રે કલેક્ટર અને પોલીસવડાએ તેમની મુલાકાત લઈને ઉપવાસ સમેટવા વિનંતી કરી હતી. જોકે જરાંગે પાટીલે અધિકારીઓની ઉપસ્થિતિ સામે સખત નારાજગી વ્યક્ત કરતાં સવાલ ઉઠાવ્યો હતો કે સરકાર પોતાના રાજકીય નેતાઓને મોકલવાને બદલે અધિકારીઓને કેમ મોકલી રહી છે?
જરાંગે પાટીલે સ્પષ્ટ ચીમકી આપતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકારનું ઉચ્ચસ્તરીય રાજકીય નેતૃત્વ સ્થળ પર આવીને મરાઠા અનામત અંગે સ્પષ્ટ અને નક્કર આશ્વાસન નહીં આપે ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે. વહીવટી તંત્રની આ મધ્યસ્થી નિષ્ફળ જતાં હવે આંદોલન વધુ તીવ્ર બને એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.