08 September, 2026 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે
મરાઠા અનામત માટે જાલનાના અંતરવાલી સરાટીમાં ભૂખહડતાળ પર બેસેલા મનોજ જરાંગેએ ગઈ કાલે પુણે, નાશિક, થાણે, મુંબઈ સહિતના જિલ્લાઓના મરાઠાઓને ૧૨ સપ્ટેમ્બરે પોતાના ગામમાં શક્તિપ્રદર્શન માટે ભેગા થવાની અપીલ કરી હતી. પછી અંતરવાલી સરાટીથી ૧૨ સપ્ટેમ્બરે મુંબઈ માટે કૂચ કરવાનું નિશ્ચિત હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સરકારને ચેતવણી આપતાં કહ્યું હતું કે ૧૨ તારીખે જો કોઈ પણ આંદોલનકારીનું લોહી વહેશે તો ફક્ત ૧૦ મિનિટમાં આખું મહારાષ્ટ્ર બંધ કરી દેવામાં આવશે.
મનોજ જરાંગેએ મરાઠા આંદોલનકારીઓને અત્યારે અંતરવાલી સરાટી ન આવવાની અપીલ કરતાં કહ્યું હતું કે ‘હમણાં કોઈ પણ ન આવે, પરંતુ ૧૨ તારીખે એક પણ મરાઠાએ ઘરમાં બેસી નથી રહેવાનું. ભલે ૧૦ લોકો આવે કે પાંચ લાખ, મુંબઈ જવાની બધી જ વ્યવસ્થા કરી આપવામાં આવશે.’
ફડણવીસ મીઠું-મીઠું બોલે છે, પણ પછી ફરી જાય છે : મનોજ જરાંગે
હૈદરાબાદ ગૅઝેટનું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન બહાર પડ્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફોન કર્યો હોવાનું જણાવતાં મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘મેં તેમની સાથે વાતચીત કરી અને તેમને ભાઈ કહીને બોલાવ્યા. જોકે દેવેન્દ્ર ફડણવીસ ફક્ત મીઠું-મીઠું બોલે છે અને પછી ફરી જાય છે. મને કહેવાયું હતું કે મારે ભૂખહડતાળ કરવાનો સમય નહીં આવવા દેવાય અને બધી જ માગણીઓ પૂરી કરી દેવામાં આવશે, પણ એવું કશું ન થયું.’ આ ઉપરાંત મનોજ જરાંગેએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે ‘મને એકનાથ શિંદે બોલતાં શરમ આવે છે. જે વ્યક્તિ મરાઠા સમાજ માટે કંઈ ન કરે તે આપણી નથી.’
એકનાથ શિંદેના પ્રધાનો અને પ્રવક્તા મરાઠા આંદોલનકારીઓ પર હુમલો કરાવવાની તૈયારીમાં છે : મનોજ જરાંગે
મનોજ જરાંગેએ મહારાષ્ટ્ર સરકારના પ્રધાનો મળીને મરાઠા સમાજની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનો આરોપ પણ મૂક્યો હતો. તેમણે આંદોલનકારીઓને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘એકનાથ શિંદેના પ્રધાનો અને પ્રવક્તા મરાઠા આંદોલનકારીઓ મુંબઈ આવે ત્યારે તેમના પર પોલીસ દ્વારા હુમલો કરાવવાની યોજના બનાવી રહ્યા છે. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે સાઠગાંઠ છે. તેઓ આપણને છેતરી રહ્યા છે. એમ છતાં તમારા પર કોઈ હુમલો થાય તો નાસભાગ ન કરતા. બંદૂકો કશું કરી શકશે નહીં, પીછેહઠ ન કરતા. જો પ્રશાસન દ્વારા એક પણ મરાઠાનું લોહી વહાવડાવાયું છે તો ૧૦ જ મિનિટમાં આખું મહારાષ્ટ્ર બંધ કરી દેવામાં આવશે.’