13 September, 2026 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે
મરાઠા અનામત માટે અંતરવાલી સરાટી ખાતે આમરણ ઉપવાસ કરી રહેલા મનોજ જરાંગેએ હવે મુંબઈમાં આવવાની તારીખ ફિક્સ કરી દીધી છે. તેમણે મરાઠાઓને હાકલ કરી છે કે ‘સરકાર આંદોલન માટે પરવાનગી આપે કે ન આપે, ૧૪ સપ્ટેમ્બરે ગણેશજીની સ્થાપના કરીને ૧૫ સપ્ટેમ્બરથી ચાલી નીકળો મુંબઈ જવા. આ વખતે એક પણ મરાઠા ઘરમાં ન રહેવો જોઈએ.’
મનોજ જરાંગે ૧૯ સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગ્યાથી આઝાદ મેદાનમાં આમરણ ઉપવાસ કરવાના છે.
આમરણ ઉપવાસ આંદોલનના ગઈ કાલે પંદરમા દિવસે મનોજ જરાંગેએ અંતરવાલી સરાટીમાં પ્રેસ-કૉન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે ‘૧૫ સપ્ટેમ્બરથી અંતરવાલીથી આપણે મુંબઈ તરફ નીકળશું. પહેલો હૉલ્ટ ૧૫મીએ બીડ જિલ્લાના પાડોટામાં હશે, ૧૬મીએ બીજો હૉલ્ટ અહિલ્યાનગર જિલ્લાના શ્રીગોંદામાં, ૧૭મીએ પુણેના હડપસરમાં, ૧૮મીએ ખોપોલી થઈ નવી મુંબઈના કોપરખૈરણે અને ૧૯ સપ્ટેમ્બરે આઝાદ મેદાનમાં સવારથી આંદોલન શરૂ થઈ જશે. આપણે રોજના ૧૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીશું.’
મનોજ જરાંગેએ તેમના સમર્થકોને બહુ જ સ્પષ્ટ કહ્યું છે કે ‘આપણે આપણા મરાઠા સમાજ માટે અનામત લઈને પાછા ફરીએ ત્યાં સુધી આ આંદોલન શાંતિપૂર્વકનું જ રહેશે. કોઈએ પણ પથ્થરમારો કે પછી આગજની કે એવું કશું પણ કરવાનું નથી. બધાએ વાહનો પણ વ્યવસ્થિત ચલાવવાનાં છે અને નિયમો પાળવાના રહેશે. આપણે લોકશાહીની રાહે આંદોલન ચલાવીને આપણી માગણીઓ પૂરી કરાવવાની છે.’
મનોજ જરાંગેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ઉદ્દેશીને કહ્યું હતું કે આંદોલનકારીઓને મુંબઈ આવતાં રોકશો નહીં, તેમના માટે કોઈ અંતરાય ઊભો ન કરતા. તેમણે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસે મરાઠા સમાજને રોકવો ન જોઈએ અને મને લાગે છે તેઓ એવું કરશે પણ નહીં.
જો પોલીસ તમને મરાઠા આંદોલનકારીઓને બૅરિકેડ્સ ગોઠવીને અટકાવે તો તમારે ત્યાં જ અટકી જવું અને રસ્તા પર બેસી જવું એમ જણાવતાં પોતાના સમર્થકોને મનોજ જરાંગેએ કહ્યું હતું કે બૅરિકેડ્સને ટચ પણ કરવા નહીં, આંદોલનકારીઓએ બીજા વૈકલ્પિક રસ્તાઓથી જવું અને આઝાદ મેદાન પહોંચવું.
જો આંદોલનકારીઓને રસ્તા પર રોકવામાં આવશે તો એ પછીની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસની ગણાશે એમ પણ તેમણે કહ્યું હતું.
ગૅઝેટ સંદર્ભની મરાઠાઓની માગણીઓ પૂરી કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે અને ૫૮ લાખ કુણબીની યાદી હોવા છતાં તેમને કાસ્ટ-સર્ટિફિકેટ ઇશ્યુ નથી કરવામાં આવ્યાં એમ જણાવતાં મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘આપણે આ ઇશ્યુને મુંબઈ લઈ જઈશું. આ અંતિમ લડાઈ હશે. એક પણ મરાઠા આ વખતે ઘરમાં ન રહેવો જોઈએ. તમામેતમામ મરાઠાઓ આ આંદોલનમાં ભાગ લે.’
મને લાગે છે કે મારા ભાઈ બધું વિચારીને જ કરશે : અમૃતા ફડણવીસ
મનોજ જરાંગેએ જ્યારે મુંબઈ આવવાનું નક્કી કરી જ લીધું છે અને મહિલાઓને અમૃતા ફડણવીસને ત્યાં જઈને હળદી-કુંકૂ કરવા જણાવ્યું છે ત્યારે અમૃતા ફડણવીસે પણ બહુ જ સૂચક વિધાન કર્યું છે. અમૃતા ફડણવીસે બે દિવસ પહેલાં જ કહ્યું હતું કે મનોજ જરાંગે મારા ભાઈ છે અને તેમને હું મારા ઘરે જમવા આવવાનું આમંત્રણ આપું છું. એ વખતે મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘ભાઈ જ્યારે લડાઈ લડી રહ્યો હોય ત્યારે તેને જમવાનું આમંત્રણ આપવું યોગ્ય ન કહેવાય, ભાઈ જંગ હારી જશે. હું ચોક્કસ જમવા જઈશ, પણ એ ભાઈબીજના દિવસે અને સાથે તેમના માટે સાડી પણ લેતો જઈશ.’
ગઈ કાલે મનોજ જરાંગેનો મુંબઈકૂચનો પ્લાન જાહેર થયા બાદ અમૃતા ફડણવીસે કહ્યું હતું કે ‘મને વિશ્વાસ છે કે મારા ભાઈ (મનોજ જંરાગે) હાલ તહેવારો ચાલી રહ્યા છે એ ધ્યાનમાં રાખીને જે કરવું હશે એ શાંતિપૂર્વક જ કરશે.’
મહિલાઓ પણ આ આંદોલનમાં જોડાય
મરાઠા અનામતના આંદોલનમાં મહિલાઓને પણ જોડાવાની હાકલ કરતાં મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘હાલ મહાલક્ષ્મીના દિવસો (વ્રતના) ચાલી રહ્યા છે. જોકે એમ છતાં જો મહિલાઓ આ આંદોલનમાં જોડાવા માગતી હોય તો અમારો એ બદલ કોઈ વાંધો નથી, કારણ કે તમારી તાકાત બહુ મોટી છે. બધી જ મહિલાઓએ લતાતાઈ (નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનાં પત્ની) અને અમૃતાતાઈ (મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં
પત્ની)ના ઘરે પહોંચી જવું અને ત્યાં જઈ હળદી-કુંકૂ કરીને મરાઠા અનામતની માગણી કરવી.’