28 December, 2025 10:34 AM IST | Khopoli | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદેએ તેમને સાંત્વન આપ્યું હતું કે તેઓ પોતે કાળોખે પરિવારના પડખે ઊભા છે
રાયગડના ખોપોલીનાં કૉર્પોરેટર માનસી કાળોખેના હસબન્ડ મંગેશ કાળોખેની હત્યાથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે કાળોખે પરિવારને મળ્યા હતા. કાળોખે પરિવારે આરોપીઓને મૃત્યુદંડ આપવાની માગણી કરી છે. એકનાથ શિંદેએ તેમને સાંત્વન આપ્યું હતું કે તેઓ પોતે કાળોખે પરિવારના પડખે ઊભા છે. તેમણે કહ્યું હતું કે ‘કોઈને પણ છોડવામાં નહીં આવે. હું પોતે આ કેસ પર નજર રાખીશ. આરોપીઓને દબોચી લેવામાં આવશે.’
મ્યુનિસિપલ ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને માનસી કાળોખે નગરસેવિકા તરીકે ચૂંટાયાં એના થોડા દિવસો પછી ૨૬ ડિસેમ્બરે મંગેશ કાળોખેની હત્યા થઈ હતી. NCPના નેતા અને તેમના ગુંડાઓએ આ હત્યા કરી હોવાનો શિવસેનાએ આરોપ લગાવ્યો છે. એકનાથ શિંદેની સામે કાળોખે પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો હતો. પોલીસે આ કેસમાં NCPના નેતા સહિત ૧૦ લોકોની ધરપકડ કરી છે.