પુણેમાં મરાઠા આંદોલનકારીઓએ કર્યો મુખ્ય પ્રધાનને ઘેરવાનો પ્રયાસ

17 September, 2026 11:50 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મુરલીધર મોહોળના ઘરે ગયા ત્યારે મરાઠા આંદોલનકારીઓએ ત્યાં પહોંચીને જોરદાર નારેબાજી કરી હતી

દેવેન્દ્ર ફડણવીસ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પુણેમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોળના ઘરે ગણપતિજીનાં દર્શન કરવા ગયા હતા એ દરમ્યાન મરાઠા અનામતના સમર્થક એવા મરાઠા સમાજના લોકોએ તેમનો ઘેરાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસે સમયસર ત્યાં પહોંચીને ધમાલ મચાવવાનો પ્રયાસ કરનારા આંદોલનકારીઓને તાબામાં લઈને પરિસ્થિતિને બેકાબૂ થતા અટકાવી હતી અને પરિસરમાં કાયદો અને વ્યવસ્થા કાયમ રાખ્યાં હતાં. 
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મુરલીધર મોહોળના ઘરે ગયા ત્યારે મરાઠા આંદોલનકારીઓએ ત્યાં પહોંચીને જોરદાર નારેબાજી કરી હતી અને તેમનો ઘેરાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સૌપ્રથમ તો સુરક્ષામાં તહેનાત પોલીસ-કર્મીઓએ તેમને સમજાવીને ત્યાંથી ચાલ્યા જવા જણાવ્યું હતું. જોકે પોલીસની વાત ન માનતાં આખરે પોલીસે હળવો બળપ્રયોગ કરીને તેમની અટક કરી હતી.

અનશન વચ્ચે મનોજ જરાંગે અને તેમના પિતા વચ્ચે સર્જાઈ ભાવુક ક્ષણ

મરાઠા અનામત માટેનું આંદોલન હવે મુંબઈ તરફ વળી રહ્યું છે અને મનોજ જરાંગે પણ તેમના ગામ અંતરવાલી સરાટીથી મુંબઈ તરફ જવા ઊપડ્યા છે ત્યારે તેમનો મુકામ બીડ પહોંચ્યો એ દરમ્યાન તેમની હાલત બગડી હતી. બુધવારે મધરાત બાદ અઢી વાગ્યે તે બીડના પાટોદા પહોંચ્યા એ વખતે તેમના સમર્થનમાં હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. મનોજ જરાંગેએ સમર્થકોને સંબોધ્યા ત્યાર પછી રાત્રે ૩ વાગ્યે મનોજ જરાંગેના પિતા રાવસાહેબ જરાંગે પણ ત્યાં પહોંચ્યા હતા. ભૂખહડતાળના ૧૯મા દિવસે પોતાના દીકરાની જે હાલત હતી એ જોઈને રાવસાહેબ જરાંગે ભાવુક થઈ ગયા હતા અને જમીન પર સૂતેલા મનોજ જરાંગેને ભેટી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડવા માંડ્યા હતા. પાટોદા પહોંચ્યા બાદ મનોજ જરાંગે સતત સૂઈ જ રહ્યા હતા. મુંબઈ પોલીસે આઝાદ મેદાનમાં આંદોલનની પરવાનગી નકારી હોવા છતાં ત્રીજી વખતે મનોજ જરાંગે-મરાઠા સમાજ દ્વારા પરવાનગી માગવામાં આવી છે. 

mumbai news mumbai devendra fadnavis manoj jarange patil maharashtra government maharashtra news maharashtra pune news pune