01 September, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આઝાદ મેદાનમાં ગઈ કાલે આંદોલનના ત્રીજા દિવસે મનોજ જરાંગે પાટીલ.
મરાઠા સમાજમાં અનામત ન અપાઈ હોવાથી બહુ જ વેદના છે, મુંબઈમાં માત્ર મરાઠા બાંધવોની ગિરદી થઈ છે એમ સરકારે ન સમજવું પણ તેમની વેદના સમજવી, આવતી કાલથી હવે પાણી પણ બંધ કરી દઈશ અને હવે અનામત લીધા સિવાય મુંબઈ છોડીશ નહીં એવો નિર્ધાર મરાઠા ક્રાન્તિ સેનાના નેતા મનોજ જરાંગેએ ગઈ કાલે વ્યક્ત કર્યો હતો.
રાજ ઠાકરેએ શનિવારે પત્રકારોને કહ્યું હતું કે મનોજ જરાંગે શા માટે મુંબઈ આવ્યા એ તમે એકનાથ શિંદેને જઈને પૂછો એ વિશે પત્રકારોએ મનોજ જરાંગેને ગઈ કાલે આઝાદ મેદાનમાં પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘બન્ને ઠાકરે ભાઈઓ અને ઠાકરે બૅન્ડ સારું છે, પણ રાજ ઠાકરે કોઈ પણ કારણ વગર મરાઠાના પ્રશ્નમાં ઝુકાવે છે. તેમને અમે ૧૧ કે ૧૩ વિધાનસભ્યો ચૂંટી આપ્યા હતા, પણ તે બધા જ ભાગી ગયા. લોકસભાની ચૂંટણી વખતે પણ ફડણવીસે તેમની ગેમ કરી નાખી. વિધાનસભા વખતે દીકરાનો પણ પરાભવ થયો. રાજ ઠાકરે એટલે માન મેળવવા માગતો છોકરો છે. ઘરે ફક્ત ફડણવીસ ચા પીને જાય તો એ પછી પક્ષ બરબાદ થાય તો પણ તેને ચાલે.’
અનામત લીધા વગર મુંબઈ નહીં છોડીએ
મનોજ જરાંગેએ ફરી એક વખતે તેમનો નિર્ધાર દોહરાવતાં કહ્યું હતું કે ‘સરકાર અમારી માગણીઓનો અમલ કરતી નથી એટલે હવે પાણી પણ બંધ. સરકાર ભલે ગમે એટલા અન્યાય કરે, પણ મરાઠા સમાજ શાંત રહે, પથ્થરમારો ન કરે; તમને અનામત અપાવ્યા સિવાય હું મુંબઈ છોડીશ નહીં.’
મનોજ જરાંગેએ ગઈ કાલે હુંકાર કરતાં કહ્યું હતું કે ‘જો કોર્ટમાં સરસકટ (સીધેસીધું) શબ્દને કારણે પ્રૉબ્લેમ થતો હોય તો એ શબ્દ પડતો મૂકો, બાકી અનામત તો અમે OBC હેઠળ જ લઈશું. વહલી તકે આના વિશે નિર્ણય લો. જો અમે મુંબઈની બૉર્ડર રોકી દીધી તો આર્થિક નુકસાન થશે. અમે અનામત લઈને જ હટીશું, કાં તો વિજયયાત્રા નીકળશે અથવા અંતિમયાત્રા નીકળશે.’
ગઈ કાલે મનોજ જરાંગેએ BJPના કોકણના નેતા નીતેશ રાણેને છછુંદર કહીને સંબોધ્યા એથી તેઓ ગિન્નાયા હતા. તેમણે પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે જો ગાળ આપશો તો જીભ કાઢીને હાથમાં આપી દઈશું. છછુંદર કહેવાનો મતલબ શું? ત્યારે મનોજ જરાંગેએ પાછું કહ્યું હતું કે છછુંદર નથી ખબર? ‘છછુંદર ફક્ત બૂમાબૂમ કરતું હોય છે. અમારું આંદોલન ચાલુ જ છે. જે કહેવું હોય એ કહો. અમે દાદા (ચંદ્રકાન્ત પાટીલ)ને કહ્યું હતું કે આને (નીતેશ રાણેને) દાબમાં રાખો.’
કોકણના મરાઠાઓને કુણબી સર્ટિફિકેટ નથી જોઈતું : નીતેશ રાણે
નીતેશ રાણેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘કોકણના મરાઠાઓને કુણબી સર્ટિફિકેટ નથી જોઈતું એથી હવે ફક્ત પ્રશ્ન મરાઠવાડાના મરાઠાઓનો જ છે, તો એનો તો ઉકેલ લાવી શકાશે.