તમારી પાસે વિધાનસભ્યોની બહુમતી છે, ગલીથી દિલ્હી સુધી તમારી જ સરકાર છે, હવે આપો મરાઠાઓને અનામતનો લાભ

01 September, 2025 07:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનોજ જરાંગેને મળ્યા પછી સુપ્રિયા સુળેએ દેવેન્દ્ર ફડણવીસને સંબોધીને કહ્યું...જોકે આંદોલનકારીઓએ સંસદસભ્ય સપ્રિયા સુળેનો ઘેરાવ કર્યો, કાર પર બાટલીઓ ફેંકી અને કહ્યું કે શરદ પવારે અમને બરબાદ કરી નાખ્યા

મરાઠા આંદોલનકારીઓથી ઘેરાઈ ગયેલાં સુપ્રિયા સુળે.

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય સુપ્રિયા પવાર ગઈ કાલે મનોજ જરાંગેને મળવા આઝાદ મેદાન પહોંચ્યાં હતાં. તેમણે મનોજ જરાંગેના ખબરઅંતર પૂછ્યા હતા. એ પછી પત્રકારોએ તેમને ઘેરીને મરાઠા અનામતના મુદ્દે તેમનું શું કહેવું છે એવો સવાલ કર્યો હતો. ત્યારે સુપ્રિયા સુળેએ તેમને કહ્યું હતું કે ‘મારી હાલની સરકારને બે હાથ જોડીને વિનંતી છે કે તમારી પાસે હવે વિધાનસભ્યોની બહુમતી છે તો એનો ઉપયોગ કૉન્ટ્રૅક્ટ આપવા કે પછી મોટા રસ્તા બનાવવા માટે જ ન કરતાં સમાજ માટે પણ કરો. ચર્ચા તો કરો. આપણા દેશમાં લોકશાહી છે, હજી સરમુખત્યારશાહી આવી નથી અને અમે સરમુખત્યારશાહી લાવવા પણ નહીં દઈએ. અમારું કહેવું છે કે ચર્ચા માટે અમે બધા જ તૈયાર છીએ. મુખ્ય પ્રધાનને મારી વિનમ્ર વિનંતી છે કે બધાને ચર્ચા માટે બોલાવો. તમને મહારાષ્ટ્રની જનતાએ આટલો મોટો જનમત આપીને જિતાડ્યા છે. તમારી પાસે ૨૫૦ જેટલા વિધાનસભ્યો છે. શું મુશ્કેલી છે તમને?’

કેટલાક પત્રકારોએ આ બાબતે શરદ પવારનું નામ આગળ કરતાં તેમણે કહ્યું હતું કે ‘હજી પણ લોકો આદરણીય શરદ પવાર પાસે જ આ માટે અપેક્ષા રાખી રહ્યા છે કે તે કંઈક કરે, જ્યારે હવે તો તેઓ વિરોધ પક્ષમાં છે. હું તો એમ કહીશ કે ૧૧ વર્ષ થયાં, ગલીથી દિલ્હી સુધી હવે તો તમારી જ સરકાર છે તો કરી બતાવો. આપો મરાઠાઓને અનામત, અમે ક્યાં ના પાડી છે? અમે તો સહકાર આપવાની જ ભૂમિકા રાખી છે. હું મુખ્ય પ્રધાનને વિનંતી કરીશે કે તેઓ ચર્ચા કરે, બધાને બોલાવે અને આ બાબતે જલદી નિર્ણય લે. અમારો બધાનો તેમને સાથ છે. તેમની જ ટૅગલાઇન છે - સબકા સાથ, સબકા વિકાસ. તો બધાનો વિકાસ કરો.’  

આંદોલનકારીઓએ સુપ્રિયા સુળેનો વિરોધ કર્યો

મનોજ જરાંગેને મળીને સુપ્રિયા સુળે પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે આંદોલનકારીઓએ તેમને ઘેરી લીધાં હતાં. કેટલાક આંદોલનકારીઓએ તેમનો વિરોધ કર્યો હતો. તેમની કાર પર કાચની બાટલીઓ પણ ફોડવામાં આવી હતી. શરદ પવારનો પણ હુરિયો બોલાવવામાં આવ્યો હતો. આંદોલનકારીઓએ સુપ્રિયા સુળેને કહ્યું પણ હતું કે શરદ પવારે તો અમને બરબાદ કરી નાખ્યા. જોકે પોલીસે તત્પરતા દાખવી હતી અને સુપ્રિયા સુળેને કોઈ ઈજા ન પહોંચાડી જાય એ બાબતનું ધ્યાન રાખીને તેમને સેફલી તેમની કારમાં રવાના કરી દીધાં હતાં.

મનોજ જરાંગેએ આંદોલનકારીઓને ખખડાવ્યા : મળવા આવતા નેતાઓને, પત્રકારોને હેરાન ન કરો

મનોજ જરાંગે અનશન પર બેઠા હોવાથી તેમના ખબરઅંતર પૂછવા અલગ-અલગ રાજકીય પક્ષના નેતાઓ આવી રહ્યા છે. એમાં ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)નાં સંસદસભ્ય અને નેતા સુપ્રિયા સુળે આઝાદ મેદાન આવ્યાં હતાં. જોકે આંદોલનકારીઓએ તેમને ઘેરી લીધાં હતાં અને કેટલાક આંદોલનકારીઓએ શરદ પવારના નામનો હુરિયો બોલાવ્યો હતો. તેમની ગાડી પર કાચની બૉટલો ફેંકવામાં આવી હતી. એ ઉપરાંત એક મહિલા પત્રકાર સાથે પણ તોછડાઈભર્યું વર્તન કર્યું હતું અને તેમને એલફએલ બોલ્યા હતા. આ ઘટનાની જાણ મનોજ જરાંગેને થતાં તેમણે સમર્થકોને ખખડાવ્યા હતા અને ચીમકી આપી હતી કે ‘આવું​ ફરી ન થવું જોઈએ. કોઈ પણ આવે, તેમને હેરાન ન કરશો. જો અપમાન થશે તો કોઈ નેતા આંદોલનના સ્થળે નહીં આવે. આંદોલન કરનારાઓએ પત્રકારોને કોઈ પણ પ્રકારે હેરાન નથી કરવાના.’

nationalist congress party supriya sule maratha reservation maharashtra government news mumbai mumbai news political news manoj jarange patil eknath shinde devendra fadnavis bhartiya janta party bjp shiv sena uddhav thackeray raj thackeray