01 September, 2025 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મરીન ડ્રાઇવ પર દરિયાની મજા માણતા મરાઠા. તસવીર : અતુલ કાંબળે
મરાઠા અનામતના મુદ્દે મનોજ જરાંગેએ અનશનનું શસ્ત્ર ઉપાડીને અને હજારો સમર્થકોને લઈને મુંબઈના આઝાદ મેદાનમાં અડ્ડો જમાવ્યો છે ત્યારે રાજ્ય સરકારની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. એ ગળું ખોંખારીને મરાઠાને કુણબી તરીકે અનામત નહીં આપી શકીએ એમ કહી પણ શકતી નથી અને મરાઠાઓને નારાજ કરવા પણ પાલવે એમ નથી એટલે હાલ કાયદાકીય રીતે ઉકેલ કાઢવાના પ્રયાસ ચાલુ છે. આજથી તો મુંબઈ ફરી એક વખત રાબેતા મુજબ દોડવા માંડશે ત્યારે આંદોલન અંતરાય બનીને ઊભું રહેશે ત્યારે જે પરિસ્થિતિ સર્જાશે એ હૅન્ડલ કરવી વધુ કપરી હશે એવું હાલ રાજકીય નિરીક્ષકોને લાગી રહ્યું છે. સરકારની આ મજબૂરીને લઈને વિરોધ પક્ષ તાનમાં આવી ગયો છે અને એને હવે જોઈતો મુદ્દો મળી જતાં સરકારને ભીડવવાનું પણ ચાલુ કરી દીધું છે.
સામે પક્ષે ગઈ કાલે ફરી એક વખત સરકારની આ મુદ્દે બનાવેલી ઉપસમિતિએ સવારે અને સાંજે એમ બે બેઠક કરી હતી. જોકે એમાં પણ કોઈ નક્કર નિર્ણય નીકળી શક્યો નહોતો. સાંજે થયેલી બેઠક બાદ ઉપસમિતિના અધ્યક્ષ રાધાકૃષ્ણ વિખે–પાટીલે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘અમે આ સંદર્ભની કાયદાકીય બાબતો માટે રાજ્યના ઍડ્વોકેટ જનરલની પણ સલાહ લઈ રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટના અને હાઈ કોર્ટના આ બાબતના જે ચુકાદા છે એમાં સ્પષ્ટ કહ્યું છે કે સીધેસીધી અનામત આપી ન શકાય. હાઈ કોર્ટનાં પણ કેટલાંક ઑબ્ઝર્વેશન્સ છે, એની ઉપરવટ અમે ન જઈ શકીએ. એથી અમે મુખ્ય પ્રધાનને પણ એ બદલ વિસ્તારપૂર્વક માહિતી આપીશું. એથી હવે બંધારણની અંદર રહીને આ જે હૈદરાબાદ ગૅઝેટની જોગવાઈઓ છે એ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખી કાયદામાં રહીને એ અનામત બેસાડવાની છે. અમે સકારાત્મક છીએ. હવે ભૂતપૂર્વ જજ સંદીપ શિંદે સાહેબ અને મહારાષ્ટ્રના ઍડ્વોકેટ જનરલ એ બન્નેને અમે આ બધું જણાવ્યું છે. તેઓ એના પર વિચાર-વિમર્શ કરીને વચલો રસ્તો કાઢવાની કોશિશ કરી રહ્યા છે. અમે તો મનોજ જરાંગે પાટીલને પણ વિનંતી કરી છે કે કાયદો અમે બનાવતા નથી, કાયદાની અંદર રહીને એ કરવાનું છે, જો તમારી પાસે કોઈ એવા કાયદાકીય સક્ષમ વકીલ હોય અને એ અમારી સાથે ચર્ચા કરવા તૈયાર હોય તો જણાવો એટલે અમે તેમની મુલાકાત ઍડ્વોકેટ જનરલ સાથે કરાવી આપીશું. જો તેમની પાસે કોઈ ઉકેલ હોય તો એ પણ અમે ચકાસવા તૈયાર છીએ. અમે ઓપન છીએ. આ બાબતને અમે પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી બનાવ્યો. મૂળમાં ઉકેલ આવવો જોઈએ એ જ અમારી ભૂમિકા છે.’
OBCને આપવામાં આવેલી અનામતને કોઈ છીનવવાનું નથી
અધર બૅકવર્ડ ક્લાસની અનામતને ધક્કો ન લાગે એવું ધોરણ સરકારનું પહેલેથી જ રહ્યું છે એમ જણાવીને રાધાકૃષ્ણ વિખે-પાટીલે કહ્યું હતું કે ‘જરાંગે પાટીલ હવે જે માગણી કરી રહ્યા છે કે હૈદરાબાદ ગૅઝેટ લાગુ કરો કે પછી સાતારા ગૅઝેટ લાગુ કરો તો એને કારણે OBCની અનામત પર કોઈ અતિક્રમણ નથી થતું, પરંતુ ૧૯૩૧નું એ જે ગૅઝેટ છે એને જો આપણે લાગુ કરવાનું વિચારીએ તો કોર્ટનાં ઑબ્ઝર્વેશન્સ, કોર્ટે આપેલા નિર્દેશને જોતાં કોઈ વચલો માર્ગ નીકળી શકે કે કેમ એ અમે ચકાસી રહ્યા છીએ. અન્ય સમાજને મારે એટલું જ કહેવાનું છે કે એમને આપવામાં આવેલી અનામત કોઈ છીનવી નથી રહ્યું.’
આજે મુંબઈમાં OBC નેતાઓની બેઠક
મરાઠા અનામત અધર બૅકવર્ડ ક્લાસ (OBC) હેઠળ જ લઈશું એવી માગણી જ્યારે મનોજ જરાંગેએ કરી છે ત્યારે OBC નેતા છગન ભુજબળે હવે આ લડાઈમાં ઝુકાવ્યું છે. આજે તેમણે રાજ્યના બધા જ OBC નેતાઓ અને રાષ્ટ્રીય OBC મહાસંઘ સહિત વિવિધ OBC સંસ્થાઓના પ્રતિનિધિઓને આ બેઠકમાં હાજર રહેવા જણાવ્યું છે. આ બેઠકમાં બધા નેતાઓ સાથે ચર્ચા કરીને આગળની રણનીતિ આંકવામાં આવશે.