મુંબઈની આવી દશા હજી કેટલા દિવસ?

30 August, 2025 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકાર સામે મોટો પડકાર, મુંબઈ પોલીસે પોતાના તમામ કર્મચારીઓની રજા રદ કરી

ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બહાર મરાઠા આંદોલનકારીઓ. તસવીરો : આશિષ રાજે.

મરાઠા અનામત આંદોલનને એક જ દિવસની પરમિશન હતી, હવે આજની પણ મળી; પરંતુ લીડર મનોજ જરાંગે પાટીલ તો કહે છે કે જ્યાં સુધી અમારી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી હટીશું નહીં

• હજારોની સંખ્યામાં મુંબઈ આવેલા મરાઠાઓએ મુંબઈ કર્યું જૅમ •  CSMT, ફોર્ટ, ફાઉન્ટન, BMC માર્ગ બધા જ રસ્તા બંધ કરીને આંદોલનકારીઓ રસ્તા પર બેસી ગયા અને સૂઈ ગયા •  સવારના ૧૦ વાગ્યે મેદાનમાં મનોજ જરાંગે પાટીલે અનશન ચાલુ કર્યા •  ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ફ્રીવે બધું જૅમ; ભરવરસાદમાં પણ આંદોલનકારીઓ પુરજોશમાં • પોલીસ અને પ્રશાસનની આંદોલનકારીઓને શાંતિ જાળવવાની અપીલ • એક જ દિવસ આઝાદ મેદાનમાં આંદોલન કરવાની પરવાનગી આપવામાં આવીહતી, પછી મુંબઈ પોલીસે આંદોલન માટે એક દિવસની પરવાનગી વધારી આપી • જોરદાર વરસાદ આવતાં અનેક આંદોલનકારીઓએ CSMT સ્ટેશન પર અડ્ડો જમાવ્યો

મરાઠા અને કુણબી એક જ હોવાનું કહીને તેમને અધર બૅકવર્ડ ક્લાસ (OBC) હેઠળ અનામત આપવાના મુદ્દે મરાઠા ક્રાન્તિ મોરચાના મનોજ જરાંગેના નેતૃત્વમાં હજારોની સંખ્યામાં આંદોલનકારીઓ ગઈ કાલે મુંબઈના આઝાદ મેદાનમાં આવી પહોંચ્યા હતા. નક્કી થયા મુજબ મનોજ જરાંગે ગઈ કાલે સવારે શિવાજી મહારાજનું અભિવાદન કરીને ૧૦ વાગ્યાથી આઝાદ મેદાન પર અનશન પર ઊતરી ગયા હતા. જ્યાં સુધી બધી જ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અહીંથી નહીં હટીએ અને વિજયનો ગુલાલ લગાવ્યા બાદ બધી માગણીઓનું અમલીકરણ થશે પછી જ હટીશું એવો હુંકાર તેમણે કર્યો હતો. મૂળમાં ગઈ કાલના એક જ દિવસે સવારના નવથી સાંજના ૬ વાગ્યા સુધીની આંદોલનની પરવાનગી આપવામાં આવી હતી. એ સિવાય આઝાદ મેદાનમાં આંદોલન કરવા માટેની ૭ એકરની અલાયદી જગ્યાની કૅપેસિટી જોતાં ફક્ત ૫૦૦૦ આંદોલનકારીઓને પરવાનગી આપવામાં આવી હતી. જોકે એના કરતાં અનેકગણા આંદોલનકારીઓ મુંબઈ આવી પહોંચ્યા હતા. મનોજ જરાંગેએ આંદોલનની મુદત લંબાવી આપવા સરકારને અપીલ કરી હતી જેની સામે એક દિવસ વધારી આપવામાં આવ્યો હતો. જોકે મનોજ જરાંગેએ સ્પષ્ટપણે જાહેર કરી દીધું છે કે અમે અમારી માગણીઓ પૂરી થાય એ પછી જ અહીંથી હટીશું.

આઝાદ મેદાનમાં મરાઠા આંદોલનકારીઓ. તસવીરો : આશિષ રાજે

મરાઠા આંદોલનનો OBC દ્વારા વિરોધ

મનોજ જરાંગેએ કરેલી OBCમાંથી અનામત આપવાની માગણીનો OBCના નેતાઓએ વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે મરાઠા સમાજનો જો OBCમાં સમાવેશ કરવામાં આવશે તો પહેલેથી જ OBCમાં સામેલ કરાયેલી અલગ અલગ કેટેગનીનો હક માર્યો જશે.

મુંબઈના પોલીસ-કર્મચારીઓની રજા રદ કરીને ફરજ પર હાજર થવાનો આદેશ

મુંબઈ પોલીસ અત્યારે ગણેશોત્સવના બંદોબસ્તમાં હાજર છે ત્યારે મરાઠા આરક્ષણનું આંદોલન લંબાતાં હવે રજા પર ગયેલા પોલીસ-કર્મચારીઓની રજા રદ કરીને તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુરુવારથી આઝાદ મેદાનમાં ૧૫૦૦થી વધુ પોલીસ તહેનાત હતી, પરંતુ હજારોની સંખ્યામાં મરાઠા આંદોલનકારીઓ મુંબઈ આવી પહોંચતાં આઝાદ મેદાન અને એની આસપાસના વિસ્તારોમાં કાયદો અને પોલીસ-વ્યવસ્થા સચવાય એ માટે વધુ પોલીસ ફોર્સની જરૂર છે. એટલે પોલીસ-કર્મચારીઓએ કોઈ પણ પ્રકારની રજા લીધી હોય એ પાછી ખેંચીને તમામ પોલીસ-કર્મચારીઓને ફરજ પર હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.

maratha reservation chhatrapati shivaji maharaj terminus csmt news mumbai mumbai news manoj jarange patil maharashtra government azad maidan