29 August, 2026 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે આજથી ફરી તેમનું આમરણ ઉપવાસનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. ગઈ કાલે પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે ‘આંદોલન વિશે કોઈએ સંભ્રમમાં રહેવું નહીં. ૨૯ ઑગસ્ટથી અંતરવાલીમાં આંદોલન થશે જ. ૮ સપ્ટેમ્બર સુધી જો સરકારે આપણી માગણીઓ ન સ્વીકારી તો મુંબઈમાં આંદોલન થશે અને પાંચ તબક્કામાં ૬ કરોડ મરાઠાઓ મુંબઈ પહોંચશે. આ વખતે આઝાદ મેદાન નહીં, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વર્ષા બંગલા પર મોરચો લઈ જઈશું અને ત્યાં જ આંદોલન કરીશું.’
આ સરકારે અમને બરબાદ કરી નાખ્યા એવો આરોપ લગાવતાં મનોજ જરાંગેએ એલાન કર્યું હતું કે ‘કોઈ પણ છોકરાઓએ આત્મહત્યા કરવી નહીં. તેમનો બાપ હું અહીં બેઠો છું. જો સરકાર સર્ટિફિકેટ નહીં આપે તો હું તેમને જોઈ લઈશ. એક પણ છોકરાએ સર્ટિફિકેટ નથી મળતું એ કારણથી આત્મહત્યા કરવી નહીં. અત્યારે જ તક છે. હવે કોઈ પણ ઘરમાં ન બેસતા. મરાઠાઓ હવે જાગી જાઓ. જેમની કુણબી તરીકેની નોંધ મળી છે પણ સર્ટિફિકેટ નથી મળ્યું તેઓ પણ આવે. આ વખતે મુંબઈ જઈશું તો જીતીને જ પાછા આવીશું.’
ધારાશિવના આંદોલનકારોનું કહેવું હતું કે ‘સંઘર્ષ યોદ્ધા જરાંગે પાટીલ મરાઠાઓની અનામત માટે આમરણ ઉપવાસ પર બેસવાના છે. ધારાશિવમાંથી લાખોની સંખ્યામાં મરાઠાઓ તેમને સમર્થન આપી રહ્યા છે. તેઓ આંદોલનમાં ભાગ લેવાના છે. અમે ૫૦૦૦ રિક્ષાવાળા રૅલી કાઢીને તેમને સપોર્ટ આપવા જવાના છીએ. જો અંતરવાલીનું આંદોલન મુંબઈ શિફટ થશે તો અમે અંતરવાલીથી જ મુંબઈ કૂચ કરીને મુંબઈ જૅમ કરીશું. ધારાશિવથી વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, યુવાનો, ખેડૂતો બધાં આંદોલનમાં જોડાવાના છે. મરાઠા સમાજ જાગી ગયો છે.’