04 November, 2025 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રકાશ સુર્વેએ ઉત્તર ભારતને માસી કહી સંબોધતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે
મતદારોને ખુશ કરવા અને તેમનો મત મેળવવા અનેક લોભામણી જાહેરાતો અને સ્ટેટમેન્ટ રાજકારણીઓ દ્વારા કરવામાં આવતાં હોય છે. ગઈ કાલે એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનાના નેતા અને બોરીવલી-દહિસરના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેએ કરેલું સ્ટેટમેન્ટ વિવાદ સર્જી શકે છે.
બોરીવલી, કાંદિવલી અને મલાડ-ઈસ્ટમાં ઉત્તર ભારતીયોની બહોળી વસ્તી છે. તેમના દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પ્રકાશ સુર્વેએ કહ્યું હતું કે ‘મરાઠી એ મારી માતૃભાષા છે, મારી મા છે પણ ઉતર ભારત એ મારી માસી છે. એકાદ વાર મા મરી જાય તો ચાલે પણ માસી ન મરવી જોઈએ, કારણ કે મા કરતાં માસી વધુ પ્રેમ કરતી હોય છે.’ પ્રકાશ સુર્વેના આ સ્ટેટમેન્ટને કારણે મરાઠી–હિન્દીનો વિવાદ ફરી એક વાર વકરે એવી શક્યતાઓ જણાઈ રહી છે. વળી તેમનો આ વિડિયો વાઇરલ થતાં બોરીવલીના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા નયન કદમે ટ્વીટ કરીને કમેન્ટ કરતાં કહ્યું કે ‘માગાથાણેના મરાઠી માણૂસે આ વિધાનસભ્યને ચૂંટી કાઢ્યો છે? મરાઠી મરી જશે તો ચાલશે, પોતાની માને મારીને તે યુપીની માસીને જિવાડે છે. આનો જાહેર વિરોધ થવો જોઈએ.’