07 April, 2026 07:44 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
પતિને લાગણીસભર પત્ર લખીને નાગપુરની પરિણીતાએ જીવન ટૂંકાવ્યું
નાગપુરની હૃદયદ્રાવક ઘટના : મહિલાના પરિવારે પતિ ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવી
નાગપુરમાં એક પરિણીત મહિલાએ પતિને બહુ લાગણીશીલ પત્ર લખીને આત્મહત્યા કરી હોવાનું પોલીસે સોમવારે જણાવ્યું હતું. આ ઘટના રવિવારે કોરાડી પોલીસ-સ્ટેશનની હદમાં આવતા મહાદુલા વિસ્તારમાં બની હતી. મરનાર યુવતીની ઓળખ મયૂરી મેંઢે તરીકે થઈ છે.
પોલીસે જણાવ્યું હતું કે મહિલા છેલ્લા કેટલાક સમયથી માનસિક તાણમાં હતી. પતિ સાથેના વિવાદને કારણે છેલ્લા એક મહિનાથી તે પોતાનાં મમ્મી-પપ્પાના ઘરે રહેતી હતી. ઘટનાના દિવસે તેણે તેના પતિનો ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે જવાબ નહોતો આપ્યો.
પરિવારના સભ્યો જ્યારે ઘરે હાજર નહોતા ત્યારે તેણે અંતિમ પગલું ભર્યું હતું. પરિવારજનો સાંજે પાછા ફર્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવ્યા બાદ ન ખૂલતાં આખરે એને તોડવો પડ્યો હતો. અંદર પ્રવેશીને જોયું તો મહિલા પંખા સાથે લટકતી જોવા મળી હતી. એ પછી તેને હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ-નોટ મળી છે, જેમાં મહિલાએ પોતાની તકલીફ વ્યક્ત કરી હતી અને પતિનો ઉલ્લેખ કર્યો હતો. પત્રમાં લખ્યું હતું, ‘હું તમને બહુ પ્રેમ કરું છું. કાલે તમને રજા છે. મારા અંતિમ સંસ્કારમાં આવજો.’
જોકે મરનારના પરિવારજનોએ તેના પતિ પર માનસિક ત્રાસ આપવાના આરોપ લગાવ્યા હતા. તેના ભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે કોરાડી પોલીસે અકસ્માત-મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.