માટુંગાના વકીલના ઘરમાંથી નવી હાઉસહેલ્પ પહેલા જ દિવસે ૭ લાખ રૂપિયાના દાગીના અને ૫૦૦૦ રૂપિયાની રોકડ તફડાવી ગઈ

03 June, 2025 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નોકરીના પહેલા જ દિવસે શુક્રવારે ઘરના બેડરૂમમાં સફાઈના બહાને પ્રવેશીને તેણે દાગીના અને રોકડ સેરવી લીધાં હોવાનું કહેવાય છે. આ મામલે પોલીસે હાઉસહેલ્પને શોધવા વિવિધ ટીમ બનાવી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માંટુગા-ઈસ્ટના આંબેડકર રોડ પરની એક સોસાયટીમાં રહેતા ૫૯ વર્ષના અનુશ લાહિરના ઘરમાં ઘરકામ માટે આવેલી હાઉસહેલ્પ સેજલ શિંદે આશરે ૭ લાખ રૂપિયાના દાગીના અને ૫૦૦૦ રૂપિયાની રોકડ તડફાવી ગઈ હોવાની ફરિયાદ રવિવારે માટુંગા પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. ઘરકામ માટે હાઉસહેલ્પ જોઈતી હોવાનો મેસેજ વૉટ્સઍપના ગ્રુપમાં નાખવામાં આવ્યો હતો. એ જોઈને સેજલ નોકરી માટે આવી હતી. નોકરીના પહેલા જ દિવસે શુક્રવારે ઘરના બેડરૂમમાં સફાઈના બહાને પ્રવેશીને તેણે દાગીના અને રોકડ સેરવી લીધાં હોવાનું કહેવાય છે. આ મામલે પોલીસે હાઉસહેલ્પને શોધવા વિવિધ ટીમ બનાવી છે.

માટુંગા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પવારે ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લાહિર પરિવારને ઘરકામ માટે હાઉસહેલ્પની જરૂર હતી જેના માટેનો મેસેજ વૉટ્સઍપના ગ્રુપમાં નાખ્યો હતો. એના આધારે સેજલે પરિવારનો સંપર્ક કર્યો હતો અને મહિને ૧૦,૦૦૦ રૂપિયા લઈશ એમ કહીને શુક્રવારે નોકરી પર જોડાઈ હતી. એ જ દિવસે પત્ની ત્રિવેણીનો બર્થ-ડે હોવાથી અનુશે ૨૦,૦૦૦ રૂપિયા ત્રિવેણીને આપ્યા હતા. એ પૈસા બેડરૂમના લૉકરમાં મૂકીને ત્રિવેણી બર્થ-ડેમાં વ્યસ્ત થઈ ગઈ હતી. બીજા દિવસે એ પૈસા હાથમાં લેતાં એમાંથી ૫૦૦૦ રૂપિયા ઓછા મળી આવ્યા હતા. ત્યાર બાદ વધુ તપાસ કરતાં ઘરમાંથી ગોલ્ડની વિવિધ વસ્તુઓ ચોરાઈ હોવાની જાણ થઈ હતી. અંતે ૧૨૦ ગ્રામ સોનાની ચોરી થઈ હોવાની ખાતરી થતાં આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી. આરોપી મહિલાનો હાલમાં ફોન પણ બંધ આવી રહ્યો છે. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

matunga crime news mumbai crime news news mumbai police mumbai mumbai news cyber crime