24 May, 2025 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સાંગલીની મેડિકલ કૉલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં ભણતી બાવીસ વર્ષની મૂળ કર્ણાટકના બેલગાવીની સ્ટુડન્ટ પર તેના જ બે ક્લાસમેટ અને ક્લાસમેટના એક અન્ય મિત્રે સામૂહિક બળાત્કાર કર્યો હતો. આ બાબતે સ્ટુડન્ટે પોલીસ-ફરિયાદ કરતાં પોલીસે વીસથી બાવીસ વર્ષની ઉંમરના ત્રણે આરોપી યુવાનોની ધરપકડ કરી તેમની સામે બળાત્કારનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.
સામૂહિક બળાત્કારની આ ઘટના ૧૮ મેએ બની હતી. પીડિતાએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે ૧૮ મેએ તે તેના બે ક્લાસમેટ સાથે રાતના ૧૦ વાગ્યે પિક્ચર જોવા જવાની હતી. જોકે એ પહેલાં તેના મિત્રોએ એક હૉલ્ટ લીધો હતો અને એક ફ્લૅટ પર ગયા હતા. આરોપીઓએ દારૂ પીધો હતો. આરોપીઓએ પીડિતાને ઘેનની દવા નાખીને કોલ્ડ-ડ્રિન્ક આપતાં તેને ઘેન ચડી ગયું હતું. એ વખતે આરોપીઓએ વારફરતી તેના પર બળાત્કાર કર્યો હતો અને તેને આ સંદર્ભે કોઈને ન જણાવવાની ધમકી આપી હતી. ગભરાઈ ગયેલી પીડિતાએ પાછળથી આ ઘટના વિશે તેનાં મમ્મી-પપ્પાને જણાવ્યું હતું. એ પછી તેનાં મમ્મી-પપ્પાએ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી. પોલીસે સામૂહિક બળાત્કાર સહિત ભારતીય ન્યાયસંહિતાની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરીને કેસની વધુ તપાસ શરૂ કરી હતી.