21 December, 2024 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિમોલિશન પહેલાં મંદિરનાં પગથિયાં. ડિમોલિશન પછીની પરિસ્થિતિ
મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ના અતિક્રમણ વિભાગે ગઈ કાલે મીરા રોડના ગોકુળ વિલેજના શાંતિ પાર્કમાં આવેલા જય શ્રી ગોપાલલાલ મંદિરની બહારનાં પગથિયાં ગેરકાયદે બાંધવામાં આવ્યાં છે એમ કહી એના પર JCB ચલાવીને તોડી પાડ્યાં હતાં. કોર્ટે આપેલા આદેશને અનુસરીને આ તોડકામની કાર્યવાહી કરવામાં આવી હતી એમ કહેવામાં આવી રહ્યું છે.
આ તોડકામની કાર્યવાહી બદલ મંદિરના ટ્રસ્ટી લાભુભાઈ ગોટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટનો ઑૅર્ડર હતો એ ખરું અને અમને એ બાબતે MBMCની નોટિસ મળ્યા બાદ અમે જ કેટલુંક બાંધકામ તોડી પાડ્યું હતું. હવે ગઈ કાલે તેમણે મંદિરનાં પગથિયાં જ તોડી પાડ્યાં છે. મંદિર પહેલા માળની ઊંચાઈએ છે જે કાયદેસર છે અને એને MBMCએ મંજૂરી પણ આપી છે. અમે પહેલાં જ MBMCના અધિકારીઓના કહેવા મુજબ બાંધકામ તોડી પાડ્યું હતું અને MBMCના અધિકારીઓ આવીને બધું જોઈ પણ ગયા હતા. એ વખતે પણ તેમણે કંઈ કહ્યું નહીં અને હવે આ તોડકામ કર્યું. જો તેમને કોઈ વાંધો હતો તો એ વખતે તેઓ અમને કહી શકતા હતા, પણ તેમણે એમ ન કરતાં ડાયરેક્ટ તોડકામ કર્યું. હવે જો મંદિરમાં જવાનાં પગથિયાં જ તોડી પાડવામાં આવે તો ભાવિકો મંદિરમાં જાય કઈ રીતે? કોર્ટનો ઑર્ડર છે એ વાત સાચી, પણ કોર્ટના એ ઑર્ડરમાં મીરા-ભાઈંદરમાં ૭૨ જેટલાં સ્ટ્રક્ચર દેખાડાયાં છે. જોકે તોડકામની કાર્યવાહી અમારા મંદિર પર જ કરવામાં
આવી છે.’
આજે આ મંદિરને ૧૮ વર્ષ પૂરાં થાય છે એ નિમિત્તે મંદિરમાં અન્નકૂટ મનોરથ રાખવામાં આવ્યો છે અને ૧૫૦૦ જેટલા વૈષ્ણવો પ્રસાદ પણ લેવાના હતા. હવે આ પ્રસંગનું શું થશે એ ગઈ કાલે મોડી રાત સુધી નક્કી કરવામાં નહોતું આવ્યું.
આ બાબતે ડિમોલિશન કરનારા MBMCના અધિકારીનો સંપર્ક કરવાની કોશિશ કરવા છતાં તેઓ નહોતા મળી શક્યા.